અનુપમ મિશન સ્વામીનારાયણ મંદિર ડેન્હામના દશાબ્દી મહોત્સવ પ્રસંગે તા. 14ના રોજ સર્વોપરી ઉપાસના સભાને સંબોધન કરતા પ. ભગવંત સાહેબ દાદાએ જણાવ્યું હતું કે ‘’ગુરૂની આજ્ઞા પાળવાનો ખૂબ જ મહિમા છે. ગુરૂ સામાન્ય માનવ માટે ભગવાન જેવા છે. આપણે સાચી ભક્તિ કરીએ તો જીવનનું પરિવર્તન થાય. સાધુ એ ભગવાન નથી તે તો ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું માધ્યમ છે. આજે માણસો ભગવાનનું બુધ્ધિથી મુલ્યાંકન કરે છે પણ ભગવાનને બુધ્ધિથી માપી ન શકાય.’’
દશાબ્દી મહોત્સવનું આયોજન ગુરુહરિ સંત ભગવંત સાહેબજીની દિવ્ય હાજરીમાં 13થી 17 ઓગસ્ટ દરમિયાન અનુપમ મિશન, ડેનહામ ખાતે કરવામાં આવ્યું હતું.
પ. પૂ. સાહેબ દાદાએ જણાવ્યું હતું કે ‘’પૂ. હિંમત સ્વામીએ પાંચ દિવસના દશાબ્દી મહોત્સવનો શુભારંભ કર્યો તેનાથી અમને સૌને ખૂબજ આનંદ થયો. અનુપમ મિશન પ. પૂ. યોગીજી મહારાજની આજ્ઞાથી શરૂ થયેલ સંસ્થા છે. આપણાં સૌનો ગોલ ભક્તિરૂપ બની ઇર્ષાના ભાવોથી ઉપર ઉઠી ભાગવાનના ધામનો આનંદ લેવાનો છે. ભગવાનમાં શ્રધ્ધા હોય તો આપણાં કામ થાય. અશ્વિનભાઇ અને હિંમત સ્વામીએ લંડનના ઇલીગલી વસતા 40-50 ભક્તો સેવાની પ્રેરણા આપતા તેઓ શનિવારે આખો દિવસ સેવા કરતા અને રવિવારે ન્હાઇ ધોઇને ભક્તિ પૂજા કરતા. તમે નહિં માનો પણ તમામ સ્ટેટલેસ લોકોને અહિં રહેવાનો રાઇટ મળી ગયો. આ સેવાનું ફળ છે. પૂ. હિંમત સ્વામી સાચા અર્થમાં કર્મયોગી છે.’’
‘’1966માં જ્યારે અમે BAPS સાથે હતા ત્યારે પૂ. યોગીબાપાએ શરત કરી હતી કે પૂ. પ્રમુખ સ્વામી કહે તો આણંદમાં દિક્ષા સમારોહ કરીએ. 14-5-1966ના રોજ પૂ. યોગી બાપાએ અમને બોલાવીને કહ્યું કે મારે તમને ભગવા નહિં પણ આ પહેર્યા છે તે જ કપડા પહેરાવીને સાઘુ બનાવવા છે. પૂ. યોગીજી મહારાજે અમારા સૌ પર દ્રષ્ટી કરી તો અમારી ટ્રેન ફંટાઇ ગઇ. ખરેખર તો મોટો આધાર ગુરૂ છે. ભાવિષાએ ખૂબ જ અભ્યાસ કર્યો છે. તેમના પરિવારે સ્વામિનારાયણનું નામ પણ સાંભળ્યું ન હતું. પણ તેમણે હિંમત સ્વામી અને અશ્વિનભાઇને જોયા ત્યારે થઇ ગયું કે મારે ભગવાનને શરણે જવું છે.’’
પૂ. દાદાએ કહ્યું હતું કે ‘’આપણને બધું જ બ્રાન્ડેડ જોઇએ છે. પણ ગુરૂ શોધતા કોઇને આવડતું નથી. આપણે બધું સંખ્યાથી માપીએ છીએ. ખરી મોટપ તો સાધુતાની છે. લોકોને સાફ સુથરા કરીને ભગવાનના ચરણોમાં મૂકતા અમને આવડે છે. આપણામાં પરમેશ્વરનો વાસ છે. પણ તેમ છતાય આપણે પરમાત્માને પ્રકાશીત કરતા નથી. પણ જો આત્મા પરની માયાનું આવરણ ખસે તો પરમાત્મા પ્રકાશીત થાય છે અને માયાનું તે આવરણ સત્પુરુષ ખસેડે છે.‘’
દાનના મહત્વ વિષે વાત કરતા પૂ. દાદાએ કહ્યું હતું કે ‘’ઇંગ્લેન્ડની કોઇ સંસ્થા નહિં હોય જેને ધામેચા કેશ એન્ડ કેરીના પ્રદિપભાઇ ધામેચાએ મોટી મદદ નહિં કરી હોય. તેમણે ઓમ ક્રિમેટોરિયમ માટે ખૂબ જ મોટી મદદ કરી છે અને અમારૂ કામ સરળ કરી આપ્યું છે. પોતાનું નાણું ભગવાનના કે સારા કાર્યમાં વાપરવું તે પણ મોટું કાર્ય છે. અહિં ઉપસ્થિત શૌનક ઋષી દાસ આઇરીશ છે પણ ઓક્સફર્ડ યુનવર્સિટીમાં ધૂણી ધખાવીને બેઠા છે અને ભાવિષાબેન ટેલરને બે વર્ષ હિન્દુઇઝમ ભણાવ્યું છે. એક વખતના ઇસ્કોનના સાધુ આજે ઓક્સફર્ડમાં હિન્દુઇઝમનું ડીપાર્ટમેન્ટ ચલાવે છે.‘’
આ પ્રસંગે અનુપમ મિશનના આંતર રાષ્ટ્રીય ચેરમેન શ્રી સતીષભાઇ ચતવાણીએ કહ્યું હતું કે ‘’આ બધી સફળતા અને કાર્યો પૂ. યોગી બાપાના અશિર્વાદથી અને ગુરૂહરી પૂ. સાહેબ દાદાની કૃપા અને નેતૃત્વ હેઠળ થયા છે. સાહેબ દાદાના સંકલ્પથી ઓમ ક્રિમેટોરિયમનું ઘણું બધું ગ્રાઉન્ડ વર્ક થઇ ગયું છે. ગયા વિકેન્ડમાં વિવિધ દેશોના 200 યુવાને કન્વેન્શનમાં ભાગ લીધો હતો. આ મંદિરની પરવાનગી મળી તે વખતે બેન્કમાં પૈસા ન હતા પણ તે વિનુભાઇ નકારજાના પ્રયાસોથી શક્ય બન્યું છે. પૂ. સાહેબ દાદાના સામર્થ્યથી જ ઓમ ક્રિમેટોરિયમની પરવાનગી મળી હતી અને સૌના સહયોગ અને દાનથી તે શક્ય પણ બનશે.’’
શ્રી પ્રદિપભાઇ ધામેચાએ કહ્યું હતું કે ‘’સમાજનું કે મંદિરનું કામ કરવું અને ચલાવવું અઘરુ કાર્ય છે જે પૂ. દાદાના અશીર્વાદથી જ શક્ય બન્યું છે. સંતો અને અગ્રણીઓ પોતાના માટે નહિં પણ મંદિરના સંચાલન કે નિર્માણ માટે દાન માંગે છે. આપણે આજે મદદ કરીશું તો આગામી પેઢી કાલે મદદ કરશે. આજે આપણે પ્રાથના કરીએ કે ક્રિમેટોરિયમ આગામી જુલાઇ ઓગસ્ટની ટાઇમ લાઇન કરતા પહેલા બની જાય અને તે માટે આપણે સૌ પૂરતી મદદ કરીએ.’’
પૂ. મનોજ દાસજીએ મિશનના ચાર પાયા વિષે વિદ્વતાપૂર્ણ વાત કરી કહ્યું હતું કે ‘’આજના આ પ્રસંગોનું વિશ્વભરમાં ટેલિકાસ્ટીંગ થઇ રહ્યું છે. આ મંદિરમાં છેલ્લા 36 વર્ષથી ઠોકારજી હજરાહજૂર બિરાજમાન છે. હું તો 10મો નહિં પણ 37મો પાટોત્સવ ઉજવી રહ્યા છે તેમ કહીશ. આપણા મંદિરો આપણી આસ્થાના દિવ્ય કેન્દ્રો છે.’’
ઓક્સફર્ડ હિન્દુ સ્ટડીઝના શૌનક ઋષી દાસે અનુપમ મિશનના 50મા સ્થાપના દિવસ અને 10મા પાટોત્સવ પ્રસંગે અભિનંદન આપી પૂ. સાહેબજીને સંસ્થાના વિકાસ અને ઓમ ક્રિમેટોરિયમની રચના માટે યશ આપ્યો હતો.
આ દશાબ્દી મહોત્સવ પ્રસંગે તા. 13ના રોજ દશાબ્દી મહોત્સવનો ઉદઘાટન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ, તા. 14ના રોજ સર્વોપરી ઉપાસના સભા, પ. પૂ. અશ્વિનદાદા જીવન માહાત્મ્ય દર્શન અને પ. પૂ. શાંતિદાદા જીવન માહાત્મ્ય દર્શનનું આયોજન કરાયું હતું. તા. 15ના રોજ મંદિરજી દશાબ્દી મહોત્સવ મહાયજ્ઞ, ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી અને ધ્વજવંદન તથા કીર્તન સંધ્યાનું આયોજન કરાયું હતું.
તા. 16ના રોજ શ્રી ઠાકોરજીના 10મા પાટોત્સવ સમારોહ, દશાબ્દી પાટોત્સવ સભા, ગુરુ આજ્ઞા મહિમા સભા અને કીર્તન – ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર તા. 17ના રોજ પૂ. હિંમત સ્વામી પ્રાગટ્યદિન ઉજવણી અને સમાપન સમારોહનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમો દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
