
બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને અને પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ આ વર્ષના અંતમાં તેમના ત્રણ બાળકો – પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સેસ ચાર્લોટ અને પ્રિન્સ લુઇસ સાથે બર્કશાયરમાં આવેલા કિંગ ચાર્લ્સ III ના વિન્ડસર કાસલ એસ્ટેટ ખાતે આવેલા આઠ બેડરૂમવાળા નવા નિવાસસ્થાન, ફોરેસ્ટ લોજમાં રહેવા જશે એમ તેમની કેન્સિંગ્ટન પેલેસ ઓફિસે પુષ્ટિ આપી છે.
ફોરેસ્ટ લોજ બ્રિટિશ સિંહાસનના વારસદારનું “કાયમ માટેનું ઘર” બનવાનું છે. અહેવાલો અનુસાર, આ દંપતી કરદાતાઓના પૈસાનો ઉપયોગ કર્યા વિના નાના રીફર્બીશમેન્ટ માટે ભંડોળ પૂરું પાડશે અને ભાડું જાતે ચૂકવશે. આ ઘર તેમના વર્તમાન નિવાસસ્થાન, એડિલેડ કોટેજની નજીક આવેલું છે, જેથી તેમના બાળકો નજીકની લેમ્બ્રુક સ્કૂલમાં અભ્યાસ કરી શકે.
આ દંપતીએ નોર્ફોકમાં એન્મર હોલ અને લંડનના કેન્સિંગ્ટન પેલેસમાં એપાર્ટમેન્ટ 1A સહિત અન્ય રહેઠાણો પણ જાળવી રાખ્યા છે. સૂત્રોએ ધ સનને જણાવ્યું હતું કે ગયા વર્ષે કેટ મિડલટનના કેન્સર નિદાનમાંથી સાજા થવા સહિત કેટલાક મુશ્કેલ સમય પછી સ્થળાંતર “નવી શરૂઆત” આપે છે.
ફોરેસ્ટ લોજ 1972થી ગ્રેડ II લિસ્ટેડ ઇમારત છે, તેમાં એક ભોંયરું, મૂળ સ્લેટ ધરાવતી છત, છ ચીમની અને નવ બે વિન્ડો છે. જૂન 2025 માં સામાન્ય આંતરિક અને બાહ્ય રીનોવેશન માટે પ્લાનીંગની પરવાનગી સબમિટ કરવામાં આવી હતી, જેમાં નવા દરવાજા અને બારીઓ, નવીન છત અને ફ્લોર તથા કેટલીક આંતરિક દિવાલોને દૂર કરવામાં આવી હતી. કોઈ મોટી તોડફોડ કે નવું આઉટબિલ્ડીંગ બનાવવાની યોજના નથી.
આ મિલકતની કિંમત આશરે £16 મિલિયન હોવાનો અંદાજ છે અને જે માટે અગાઉ 2001 માં દર મહિને £15,000 ના ભાડા પર લીસ્ટેડ હતી. કેન્સિંગ્ટન પેલેસે આ સ્થળાંતરને લાંબા ગાળાના નિર્ણય તરીકે વર્ણવ્યો હતો, જે ભવિષ્ય માટે વિન્ડસરને તેમના પરિવારના ઘર તરીકે દંપતીની પ્રતિબદ્ધતાનો સંકેત આપે છે.
