ન્યૂયોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટના એટર્ની જય ક્લેટન અને ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ન્યૂયોર્ક ફિલ્ડ ઓફિસના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ડાયરેક્ટર, ક્રિસ્ટોફર જી. રૈયાએ તાજેતરમાં ભારતીય મૂળના અનિલ મેથ્યુઝ, રાહુલ અગ્રવાલ અને કેનેથ હારલન પર કૌભાંડ આચરવાનો અને સિક્યુરિટીઝ છેતરપિંડીના આરોપ મુકવાની જાહેરાત કરી હતી.
આ ત્રણેય પર કથિત એકાઉન્ટિંગ ફ્રોડ સ્કીમમાં કૌભાંડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેમાં સ્પેશિયલ પર્પઝ એક્વિઝિશન કંપની (SPAC) દ્વારા હસ્તાંતરણ થાય તે અગાઉ ડેટા ઇન્ટેલિજન્સ કંપની- નીઅર ઇન્ટેલિજન્સ ઇન્ક. અને મોબાઇલ એડવર્ટાઇઝિંગ કંપની મોબાઇલ ફ્યુઝ એલએલસીની આવકને વધુ દર્શાવવામાં આવી હતી, જે ટૂંક સમયમાં જ નાદાર થઇ હતી. અનિલ મેથ્યુઝ અને રાહુલ અગ્રવાલ અનુક્રમે નીઅર ઇન્ટેલિજન્સ, ઇન્ક.ના સીઇઓ અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસરના પદ પર કાર્યરત હતા, અને હારલન મોબાઇલફ્યુઝ કંપનીના ચીફ સીઇઓ પદે હતા. તેમણે વિવિધ રીતે 25 મિલિયન ડોલરના વ્યવહારો દર્શાવીને ઉચાપત આચરી હતી. આ કેસની તપાસ મુજબ 51 વર્ષીય અનિલ મેથ્યુઝ ફ્રાન્સ ભાગી ગયો છે અને અમેરિકન તંત્ર તેના પ્રત્યાર્પણની માગ કરી રહ્યું છે. જ્યારે ભારતીય નાગરિક અને ભારતના રહેવાસી 40 વર્ષીય રાહુલ અગ્રવાલ હજુ ફરાર છે. 52 વર્ષીય હારલનની 7 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય દોષિત ઠરશે તો તેમને વિવિધ ગુનામાં ઓછામાં ઓછા 5 વર્ષથી લઇને 20 વર્ષ સુધીની જેલ સજા થવાની સંભાવના છે.
