નોર્થ વેસ્ટ લંડનના હેરોમાં આવેલ આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર ખાતે સાંસ્કૃતિક પ્રદર્શન, આંતરધાર્મિય ભાગીદારી અને ભારત અને યુકે વચ્ચેના ઐતિહાસિક અને સમકાલીન સંબંધોની સરાહના સાથે ભારતના 79મા સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલ દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. તેમની સાથે ગુજરાતથી પધારેલા શ્રી પંકજભાઈ મોદી, ભારતના સંતો અને રાજરાજેશ્વર ગુરુજી હાજર રહ્યા હતા. સમારોહમાં રાષ્ટ્રગીત ગવાયા બાદ મહારાષ્ટ્રીયન ઢોલ જૂથ દ્વારા ધૂન વગાડવામાં આવી હતી. ઉપસ્થિતોએ ત્રિરંગા થીમ આધારિત ટોપીઓ અને શાલ પહેર્યા હતા.
આ પ્રસંગે ભારતની પ્રગતિ, ડાયસ્પોરા યોગદાન અને બંને રાષ્ટ્રોને જોડતા મૂલ્યો પર ભાષણો અને ચિંતન કરાયા હતા. પંકજભાઈ મોદીએ ભારતના વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી “મોતીની માળા” તરીકે મેળાવડાની પ્રશંસા કરી હતી અને એકતાને પ્રોત્સાહન આપવા બદલ ગુરુજીની પ્રશંસા કરી હતી. મેયર અંજનાબેન પટેલે ભારતની પ્રગતિ અને બ્રિટન અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં હેરોના ભારતીય સમુદાયની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
ભારતના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર સોસ્યલ જસ્ટીસ અને એમ્પાવરમેન્ટ ડૉ. રામદાસ આઠવલેએ લંડનમાં ડાયસ્પોરાના યોગદાન, ગુરુજીના સામુદાયીક કાર્યો અને ડૉ. બી.આર. આંબેડકરના શહેર સાથેના ઐતિહાસિક જોડાણને માન્યતા આપીને યુકેનો પોતાનો પ્રથમ સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો.
પૂ. ગુરુજીએ વસુધૈવ કુટુમ્બકમ – “દુનિયા એક પરિવાર છે” વિષય પર વાત કરી અને એર ઇન્ડિયા ક્રેશ પીડિતોની યાદમાં 18થી 22 ઓગસ્ટ 2025 દરમિયાન શિવ કથા યોજવાની જાહેરાત કરી હતી.
આ કાર્યક્રમમાં ડેવિડ ક્રાયર, કાઉન્સિલર જેનેટ મોટે અને પૂર્વ જીએલએ સદસ્ય નવીન શાહ દ્વારા આંતરધાર્મિક પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું, જેમાં બ્રિટિશ સશસ્ત્ર દળોના અશોક કુમાર ચૌહાણ, કામાક્ષી જાની, નિગમ જોશી અને કામ જાની ઉપસ્થિત રહ્યા હતા.
મજબૂત કોમ્યુનિટી પોલીસ રિલેશન્સને પ્રોત્સાહન આપવા બદલ નોર્થ વેસ્ટ બેઝિક કમાન્ડ યુનિટના નવનિયુક્ત કમાન્ડર, ડિટેક્ટીવ ચીફ સુપરિન્ટેન્ડેન્ટ લ્યુક વિલિયમ્સનું સન્માન કરાયું હતું.
કાર્યક્રમનો અંત બાળકોના નૃત્યો, સંગીતમય પ્રદર્શનો અને યુવાનોના ભાષણો સાથે થયો હતો. જેમાં એકતા, સાંસ્કૃતિક ગૌરવ અને સહિયારા મૂલ્યોને મજબૂત બનાવતી વખતે યુવા પેઢીઓમાં પરંપરાઓને જીવંત રાખવાની સમુદાયની પ્રતિબદ્ધતાની ઉજવણી કરવામાં આવી હતી.
