
રવિવારે રશિયા-યુક્રેન સંઘર્ષ બાબતે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીની વ્હાઇટ હાઉસ મુલાકાત પછી વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે વોશિંગ્ટનમાં ઉચ્ચ-સ્તરની વાટાઘાટો બાદ યુક્રેન યુધ્ધ બાબતે જે પ્રગતિ થઇ છે તેનું સ્વાગત કરી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કીવ માટે “કાસ્ટ-આયર્ન” સુરક્ષા ગેરંટીઝની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી.
વ્હાઇટ હાઉસમાં યોજાયેલી સમિટમાં ભાગ લેવા માટે સ્કોટલેન્ડમાં પોતાની ફેમીલી હોલીડેને ટૂંકી કરનાર સ્ટાર્મરે પરિણામોને “નોંધપાત્ર પ્રગતિ” તરીકે વર્ણવી હતી. તેમણે સંભવિત બહુરાષ્ટ્રીય “આશ્વાસન દળ”ની તૈયારીઓ સહિતના આગલા પગલાઓની ચર્ચા કરવા યુરોપિયન અને કોમનવેલ્થ સાથીઓની વર્ચુઅલ મીટિંગની પણ સહ-અધ્યક્ષતા કરી હતી.
ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે આ વાટાઘાટો નેતાઓમાં “એકતાની વાસ્તવિક સમજ” દર્શાવે છે. સ્ટાર્મરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’યુક્રેનિયન પ્રદેશ પરના નિર્ણયો બાબતે ફક્ત કિવ સાથે જ રહેવું જોઈએ, અને યુક્રેન વિના યુક્રેન વિશે કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં.”
ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને કહ્યું હતું કે ‘’યુક્રેન નાટોમાં જોડાશે નહીં પરંતુ યુકે, ફ્રાન્સ અને જર્મની સહિતના યુરોપિયન સૈનિકોને ભાવિ રશિયન આક્રમણને રોકવા માટે જમીન પર તૈનાત કરી શકાય છે. જ્યારે તેમણે શાંતિ વાટાઘાટો પહેલાં યુદ્ધવિરામના વિચારને નકારી કાઢ્યો હતો.
વડા પ્રધાન હવે લંડનમાં પાછા ફર્યા છે, જ્યારે એડમિરલ સર ટોની રાડાકિન સહિતના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ વિગતવાર ચર્ચાઓ માટે વોશિંગ્ટનમાં છે. યુકે માટે, રશિયા સાથે સીધી વાટાઘાટો પહેલાં યુક્રેનના હાથને મજબૂત બનાવવાની પ્રાધાન્યતા છે.
આ પહેલા વડા પ્રધાન કેર સ્ટાર્મર એક વિડિઓ કોલમાં યુરોપિયન નેતાઓ સાથે જોડાયા હતા. સ્ટાર્મરે, ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે, ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં યોજાયેલા શિખર સંમેલન પછી “કોએલીએશન ઓફ ધ વિલિંગ” ચર્ચામાં ભાગ લીધો હતો.
સ્ટાર્મરે ટ્રમ્પના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેઓ “યુક્રેનમાં રશિયાના ગેરકાયદેસર યુદ્ધને સમાપ્ત કરવા માટે અમને પહેલા કરતાં વધુ નજીક લાવ્યા છે.” તેમણે યુક્રેન માટે યુરોપના સમર્થનને પુનઃપુષ્ટિ આપી ભાર મૂક્યો હતો કે શાંતિ વાટાઘાટોમાં ઝેલેન્સકીનો સમાવેશ થવો જોઈએ અને મજબૂત સુરક્ષા ગેરંટીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે મોસ્કો પર પ્રતિબંધો, જ્યાં સુધી રશિયન આક્રમણ બંધ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
મેક્રોન, મેર્ઝ અને અન્ય EU નેતાઓ સાથેના સંયુક્ત નિવેદનમાં, સ્ટાર્મરે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુક્રેને તેના સશસ્ત્ર દળો અને જોડાણો પર નિયંત્રણ જાળવી રાખવું જોઈએ, કારણ કે રશિયા EU અને NATO સભ્યપદ મેળવવાના તેના માર્ગને વીટો કરી શકતું નથી.
મીડિયા અહેવાલો સૂચવે છે કે પુતિન ડોનબાસ ક્ષેત્રના ભાગોમાંથી યુક્રેનિયન દળોને પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છે, જો તેમની માંગણીઓ પૂર્ણ થાય તો ફ્રન્ટલાઈન પર સંઘર્ષને સ્થિર કરવાની ઓફર કરે છે.
