આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે રૂ.2,929.05 કરોડના કથિત ફ્રોડના કેસમાં શનિવારે કેસ દાખલ કરીને તેમના મુંબઈ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. સીબીઆઇની ટીમો રિલાયન્સ કમ્યુનિકેશન (આકોમ)ની સત્તાવાર ઓફિસે પર પણ ત્રાટકી હતી. મુંબઈના કફ પરેડ ખાતે અંબાણીના નિવાસસ્થાન ‘સી વિન્ડ’ પર આ સર્ચ કાર્યવાહી કરાઈ હતી.
SBIની ફરિયાદના આધારે CBIએ રિલાયન્સ કોમ્યુનિકેશન (RCom), મુંબઈ, તેના ડિરેક્ટર અનિલ ડી અંબાણી, અજાણ્યા સરકારી કર્મચારીઓ અને બીજા અજ્ઞાત લોકો સામે ગુરુવારે FIR નોંધ્યા બાદ આ કાર્યવાહી કરાઈ હતી. સીબીઆઈએ 22 ઓગસ્ટ, 2025એ મુંબઈની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ પાસેથી સર્ચ વોરંટ મેળવ્યા પછી આ સર્ચ કાર્યવાહી કરી હતી.
SBI ફરિયાદ અનુસાર કંપની પર વિવિધ ધિરાણકર્તાઓનું રૂ.40,000 કરોડથી વધુનું દેવું છે, જેમાં 2018ના આંકડા અનુસાર એકલી જાહેર ક્ષેત્રની બેંક રૂ.2,929.05 કરોડના નુકસાનનો સામનો કરી રહી છે. એજન્સીએ અંબાણી અને આરકોમ સામે ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાઓ કરવાના આરોપસર કેસ દાખલ કર્યો હતો.
સીબીઆઈ પ્રવક્તાએ જણાવ્યું હતું કે આરોપીઓએ ગુનાહિત કાવતરું ઘડીને રિલાયન્સ કોમ્યુનિકેશનના પક્ષમાં SBI પાસેથી ખોટી રજૂઆત કરી હતી અને ક્રેડિટ સુવિધાઓ મેળવી હોવાનો આરોપ છે. લોનની રકમના દુરુપયોગ અને ડાઇવર્ઝન, લોન ભંડોળનું સંભવિત રૂટીંગ, આંતર-કંપની લોન ટ્રાન્ઝેક્શન સેલ્સ ઇન્વોઇસ ફાઇનાન્સિંગનો દુરુપયોગ, રિલાયન્સ ઇન્ફ્રાટેલ દ્વારા આરકોમને બિલમાં ડિસ્કાઉન્ટ, ઇન્ટર કંપની ડિપોઝિટ દ્વારા ફંડના દુરુપયોગ સહિતા આરોપો છે. એસબીાઇએ 10 નવેમ્બર, 2020ના રોજ લોન એકાઉન્ટ અને પ્રમોટર અનિલ અંબાણીને ફ્રોડ તરીકે વર્ગીકૃત કર્યા હતાં અને 5 જાન્યુઆરી, 2021ના રોજ CBIમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપો પાયાવિહોણા, કોર્ટમાં પડકારવામાં આવશેઃ અનિલ અંબાણી
સીબીઆઇની કાર્યવાહી પછી અનિલ અંબાણીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અનિલ ડી અંબાણી તમામ આક્ષેપો અને આરોપોને નકારે છે અને યોગ્ય રીતે પોતાનો બચાવ કરશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ દાખલ કરેલી ફરિયાદ આશરે 10 વર્ષથી વધુ જૂની બાબતોને લગતી છે.સંબંધિત સમયે તેઓ કંપનીના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતાં અને રોજિંદા સંચાલનમાં તેમની કોઈ સીધી સામેલગીરી ન હતી. SBIએ પાંચ અન્ય નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો સામેની કાર્યવાહી પાછી ખેંચી લીધી છે. આમ છતાં એકલા અનિલ અંબાણી સામે કાર્યવાહી કરી છે. હાલમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સનું સંચાલન SBIના નેતૃત્વ હેઠળની કમિટી ઓફ ક્રેડિટર્સ કરે છે અને તેના પર રિઝોલ્યુશન પ્રોફેશનલ દેખરેખ રાખે છે. આ મામલો છેલ્લા છ વર્ષથી NCLT અને સુપ્રીમ કોર્ટ સહિત અન્ય ન્યાયિક મંચો સમક્ષ પેન્ડિંગ છે અને સબ જ્યુડિસ છે.
