યુકે સ્થિત જાણીતા બિઝનેસમેન અને સેવાભાવી દાતા લોર્ડ સ્વરાજ પોલ (94)નું શુક્રવાર (22 ઓગસ્ટ)ના રોજ નિધન થતાં તેમના વતન જલંધરમાં અનેક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જલંધરમાં લોર્ડ પોલનો જન્મ થયો, તેમણે ત્યાં શાળાકીય અને કોલેજ અભ્યાસ કર્યો હતો. તેઓ છેલ્લા 70 વર્ષથી યુકેમાં વસતાં હોવા છતાં તેમણે જલંધર સાથેનો ગાઢ સંપર્ક જાળવી રાખ્યો હતો. તેઓ દર બે વર્ષે જલંધર જતા ત્યારે તેમના નજીકના લોકોને અચૂક મળતા હતા.
લોર્ડ પોલ, તેમના માતાપિતા અને ત્રણ ભાઈઓ ટાંડા રોડ પરના તેમના ઘરમાં રહેતા હતા, જ્યાં હવે એપીજે સ્કૂલ કાર્યરત છે. લોર્ડ પોલે એલઆર દોઆબા સ્કૂલમાં પછી તેમણે 1948-49માં દોઆબા કોલેજમાં બી. એસસીનો અભ્યાસ કર્યો હતો. આ કોલેજના પ્રિન્સિપાલ, પ્રેસિડેન્ટ, જનરલ સેક્રેટરી, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ લોર્ડ પોલના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. 2014માં લોર્ડ પોલનું આ કોલેજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડો. ભંડારીએ જણાવ્યું હતું કે, લોર્ડ પોલ દ્વારા તેમની પત્ની લેડી અરુણા પોલની યાદમાં કોલેજને રૂ. 20 લાખનું દાન આપવામાં આવ્યું હતું. કોલેજ મેનેજમેન્ટે લેડી અરુણા પોલ સ્ટુડન્ટ રિક્રિએશન સેન્ટર-ડીસીજે ડિલાઇટનું નિર્માણ કર્યું હતું.
આ ઉપરાંત લોર્ડ પોલના કપારો બિઝનેસ ગ્રુપે આઈકે ગુજરાલ પંજાબ ટેકનિકલ યુનિવર્સિટીને એક શૈક્ષણિક ભવન બનાવવા માટે રૂ. પાંચ કરોડનું દાન આપ્યું હતું. તેમની પુત્રી અંબિકા પોલની પ્રતિમા યુનિવર્સિટીના પ્રવેશદ્વાર પર સ્થાપિત કરવામાં આવી હતી.

LEAVE A REPLY