કઝાકિસ્તાનના શ્યામકેન્ટ શહેરમાં યોજાઈ રહેલી 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં સિનિયર અને જુનિયર 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગયા સપ્તાહે ભારતીય શૂટર્સે ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા. ગુજરાતની ઈલાવેનિલ વાલારિવન અને અર્જુનની જોડીએ સિનિયર 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ઈવેન્ટમાં ચીની જોડી પેંગ ઝિન્લુ અને લુ ડિંગકેને 13-11થી હરાવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
આ અગાઉ, ઈલાવેનિલે મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તો જુનિયર મહિલા ટીમે 10 મીટર એર રાઇફલમાં વિશ્વ રેકોર્ડ સાથે ગોલ્ડ હાંસલ કર્યો હતો.
ક્વોલિફિકેશન રાઉન્ડમાં 27 ટીમોમાં તેમણે 634.0 પોઈન્ટ મેળવીને પ્રથમ સ્થાન મેળવ્યું. ઈલાવેનિલે 316.3 અને અર્જુને 317.7 પોઈન્ટ મેળવ્યા. જુનિયર 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં નારાયણ પ્રણવ અને સામ્ભવી ક્ષીરસાગરે શાનદાર દેખાવ કર્યો હતો. ક્વોલિફિકેશનમાં 629.5 પોઈન્ટ મેળવી તેઓ ત્રીજા સ્થાને રહ્યા હતા.
ફાઇનલમાં, નારાયણ અને સામ્ભવીનો સામનો ચીની જોડી તાંગ હુઇકી અને હાન યિનાન સામે વિજય થયો હતો.
ભારતીય શૂટર્સે ગયા સપ્તાહે શનિવાર સુધીની સ્થિતિ મુજબ ટુર્નામેન્ટમાં 22 ગોલ્ડ, 8 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. ભારત પાસે 40 મેડલ છે. એમાંથી સિનિયર કેટેગરીમાં 4 ગોલ્ડ, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ, જ્યારે બાકીના મેડલ જુનિયર અને યુવા ખેલાડીઓએ જીત્યા હતા.
