ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 26 ઓગસ્ટે હાંસલપુર ખાતેના અગ્રણી કાર કંપની મારુતિ સુઝુકી પ્લાન્ટ ખાતે કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર (EV) ઇ-વિટારાને લીલી ઝંડી બતાવ્યા પછી જણાવ્યું હતું કે સ્વદેશી દરેક વ્યક્તિનો જીવનમંત્ર હોવો જોઈએ. તેમની સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલે વૈશ્વિક અને સ્થાનિક ઉત્પાદકો બંને માટે અનુકૂળ વાતાવરણ ઊભું કર્યું છે. આજે ‘મેક ઇન ઇન્ડિયા’ માટે એક મહાન દિવસ છે, કારણ કે દેશમાં બનેલા ઇ-વાહનો 100 દેશોમાં નિકાસ કરાશે. દુનિયા ભારતમાં બનેલા ઇલેક્ટ્રિક વાહનો ચલાવશે.
સ્વદેશની વ્યાખ્યા આપતાં તેમણે જણાવ્યું હતું કે મને કોના પૈસા રોકાણ કરવામાં આવે છે તેની ચિંતા નથી, તે ડોલર છે કે પાઉન્ડ, અથવા તે ચલણ કાળું છે કે સફેદ. પરંતુ તે પૈસાથી જે પણ ઉત્પાદન થાય છે, તે મારા દેશવાસીઓના પરસેવાથી ઉત્પાદિત હોવી જોઇએ. લોકોને ફક્ત સ્વદેશી પ્રોડક્ટ્સ ખરીદવાનો અનુરોધ કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે રોકાણ કોણ કરે છે તે મહત્વનું નથી, પરંતુ મહત્વનું એ છે કે પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે સખત મહેનત ભારતીયોની હોવી જોઈએ. આ રીતે મારુતિ સુઝુકી પણ એક સ્વદેશી કંપની છે. સ્વદેશી આપણો જીવનમંત્ર બનવો જોઈએ. ચાલો ગર્વથી સ્વદેશી અપનાવીએ. જાપાન દ્વારા અહીં જે વસ્તુઓ બનાવવામાં આવે છે તે પણ સ્વદેશી છે.
2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના તેમના વિઝનનો ઉલ્લેખ કરતા મોદીએ લોકોને ભારતની ભાવિ પેઢીઓના હિત માટે આ સ્વદેશી ચળવળમાં જોડાવાની હાંકલ કરી હતી.૨૦૪૭માં આપણે ભારતને એવું બનાવીશું કે આવનારી પેઢીઓ તમારા બલિદાન અને યોગદાન પર ગર્વ કરશે. તમારી આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે, આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરવા માટે, હું આજે મારા દેશવાસીઓને આમંત્રણ આપી રહ્યો છું. આવો, આપણે બધા આગળ વધીએ અને ભારતને એક વિકસિત દેશ બનાવીએ.
હાંસલપુરમાં TDS લિથિયમ-આયન બેટરી ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ (TDSG) ખાતે લિ-આયન બેટરી સેલ અને ઇલેક્ટ્રોડના ઉત્પાદનના લોન્ચનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે થોડા વર્ષો પહેલા સુધી ભારત આ બેટરીઓ માટે સંપૂર્ણપણે આયાત પર નિર્ભર હતું. બેટરી એ EV ઇકોસિસ્ટમનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. EV ઉત્પાદનને મજબૂત બનાવવા માટે, ભારત પણ બેટરીનું ઉત્પાદન કરે તે મહત્વપૂર્ણ હતું. તે વિઝન સાથે, અમે 2017 માં અહીં TDSG બેટરી પ્લાન્ટનો પાયો નાખ્યો હતો. ભારતમાં પહેલીવાર, ત્રણ જાપાની કંપનીઓ બેટરી સેલ બનાવવા માટે એકસાથે આવી છે. છેલ્લા દાયકામાં, ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં 500 ટકાનો વધારો થયો છે, મોબાઇલ ઉત્પાદનમાં 2,700 ટકાનો અને સંરક્ષણ ઉત્પાદનમાં 200 ટકાનો વધારો થયો છે.
