ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવાર, 26 ઓગસ્ટે ભારતીય નૌકાદળના પૂર્વીય નૌકાદળ કમાન્ડ ખાતે બે મલ્ટી-મિશન સ્ટીલ્થ ફ્રિગેટ્સ INS ઉદયગિરિ અને INS હિમગિરિને નેવીમાં સામેલ કર્યા હતા. આ બંને નવા યુદ્ધજહાજોથી ભારતની નૌકાદળની તાકાતમાં અને દરિયાઇ સુરક્ષામાં વધારો થશે. આ યુદ્ધજહાજોની મુખ્ય વિશેષતા તેમની સ્ટીલ્થ ડિઝાઇન છે, જે તેમને દુશ્મનના રડારથી બચાવવામાં મદદ કરે છે.
બંને યુદ્ધજહાજોનું નિર્માણ દેશના બે અલગ-અલગ શિપયાર્ડ્સમાં કરાયું છે, જે ભારતની સ્વદેશી ડિઝાઇન અને ઉત્પાદન ક્ષમતાનું પ્રતીક છે. આઇએનએસ ઉદયગિરી અને આઇએનએસ હિમગિરી પ્રોજેક્ટ 17A (નીલગિરી-ક્લાસ) હેઠળ બનાવવામાં આવેલા સ્ટીલ્થ ફ્રિગેટ્સ છે. આ યુદ્ધજહાજો અગાઉના શિવાલિક-ક્લાસ ફ્રિગેટ્સનું અત્યંત આધુનિક અને ફેરફાર કરેલું વેરિઅન્ટ છે.
આઇએનએસ ઉદયગિરીનું નિર્માણ મુંબઈના માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ દ્વારા કરાયું છે, જ્યારે આઇએનએસ હિમગિરી કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા તૈયાર કરાયું છે. આ ફ્રિગેટ્સનું વજન લગભગ 6,700 ટન છે, જે તેમના અગાઉના વર્ઝન કરતાં પાંચ ટકા વધુ છે.
આઇએનએસ ઉદયગિરી અને આઇએનએસ હિમગિરી સામેલ થયા બાદ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતની દરિયાઈ તાકાત મજબૂત થશે. આ યુદ્ધજહાજો દેશની 7,500 કિલોમીટર લાંબી દરિયાઈ સીમા અને 2.02 મિલિયન ચોરસ કિલોમીટરના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની સુરક્ષામાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જે ભારતની સંરક્ષણ વ્યૂહરચના માટે એક સીમાચિહ્નરૂપ ઘટના છે.
