ફિલ્મી કારકિર્દીમાં નિષ્ફળ રહેલી બિલિયોનેર અભિનેત્રી દિવ્યા ખોસલાએ દાવો કર્યો છે કે ‘એક ચતુર નાર’ ફિલ્મમાં તેણે તેના પાત્રની તૈયારી માટે તે થોડા સમય માટે એક ઝુપડપટ્ટી વિસ્તારમાં રહી હતી. તેણે જણાવ્યા મુજબ કેટલાંક નિરીક્ષણો તથા બોલચાલની લઢણ વગેરેના અભ્યાસ માટે તેણે લખનઉની ઝુપડપટ્ટીમાં વસવાટ કર્યો હતો.
આ દરમિયાન તેણે આ સ્થિતિમાં રહેતા લોકો કેવી મુશ્કેલી વચ્ચે પોતાનું જીવન ગુજારે છે તેનો જાતે અનુભવ કર્યો હતો. ‘ઓહ માય ગોડ’ તથા ‘102 નોટ આઉટ’ જેવી ફિલ્મોના દિગ્દર્શક ઉમેશ શુક્લાએ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફિલ્મોમાં બહુ ઓછો દેખાયેલો અભિનેતા નીલ નીતિન મુકેશ પણ આ ફિલ્મમાં જોવા મળશે.
બીજી તરફ દિવ્યા ખોસલાનું અંગત જીવન પણ રસપ્રદ રહ્યું છે. બોલીવૂડમાં તેની ગણના નિષ્ફળ અભિનેત્રી તરીકે થાય છે પણ તેના પતિનું નામ ઘણું મોટું છે.
પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહેલી દિવ્યાએ 2000ના દાયકામાં બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે 2004માં પ્રથમવાર ફિલ્મ ‘અબ તમારા હવાલે વતન સાથીયો’માં અક્ષયકુમાર અને બોબી દેઓલ સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. લોકો તેના અભિનયના નહીં પરંતુ તેની સુંદરતાના ચાહક હતા. આ દરમિયાન તેણે પોતાના અંગત જીવનમાં એક મોટો નિર્ણય લઈને બધાને ચોંકાવ્યા હતા. તેણે ટી-સિરીઝ મ્યુઝિક અને ફિલ્મ પ્રોડક્શન કંપનીના માલિક ભૂષણ કુમાર સાથએ લગ્ન કર્યા હતા.
અભિનયમાં સફળતા ન મળતાં તેણે દિગ્દર્શન પર હાથ અજમાવ્યો હતો. તેણે ‘યારિયાં’ (2014) તથા ‘સનમ રે’ (2016) જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું જેમાં તેને સારો પ્રતિસાદ મળ્યો હતો. દિવ્યાએ 2005માં ટી-સિરિઝના માલિક ભૂષણ કુમાર સાથે વૈષ્ણો દેવી મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન સમયે દિવ્યાની ઉંમર માત્ર 18 વર્ષની હતી. તેમના લગ્ન પછી 2011માં તેઓ પુત્ર રૂહાનની માતા બની હતી. દિવ્યા અને ભૂષણને બોલીવૂડના સૌથી શક્તિશાળી દંપતિઓમાં સ્થાન મળ્યું છે.
દિવ્યાએ ‘સત્યમેવ જયતે 2’ (2021) દ્વારા અભિનયમાં ફરીથી પદાર્પણ કર્યું હતું પરંતુ આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી. 2023માં ‘યારિયાં 2’માં પણ તે જોવા મળી હતી જે મલયાલમ ફિલ્મ ‘બેંગલોર ડેઝ’ની રીમેક હતી. આમ છતાં તે સતત નિષ્ફળતા થઇ હતી, આથી તે ‘ફ્લોપ એક્ટ્રેસ’ તરીકે ઓળખાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, દિવ્યાની નેટવર્થ રૂ. 42 કરોડ છે, જ્યારે કેટલાક સૂત્રો કહે છે કે, તે રૂ. 206 કરોડ સુધી પહોંચી શકે છે. તે ટી સીરિઝ કંપનીમાં માત્ર 0.45 ટકા હિસ્સો ધરાવે છે. તે દર મહિને રૂ. 24 કરોડ જેટલી કમાણી કરતી હોવાનું કહેવાય છે.
ભૂષણ કુમાર ટી-સીરિઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે. હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022 મુજબ દિવ્યાની અને તેના પરિવારની કુલ નેટવર્થ રૂ. દસ હજાર કરોડ છે. ભૂષણ કુમારના પિતા ગુલશન કુમાર દ્વારા સ્થાપિત ટી-સીરિઝ આજે ભારતની સૌથી મોટી મ્યુઝિક કંપની છે.
દિવ્યા અને ભૂષણનો મુંબઈના જુહૂમાં રૂ.167 કરોડનું બંગલો છે, જેમાં પેન્ટહાઉસ, જિમ, મંદિર અને ભવ્ય ડાઇનિંગ એરિયા છે. તેઓ રોલ્સ-રોયસ, ફેરારી, ઓડી અને મર્સિડીઝ જેવી લક્ઝરી કારોના માલિક છે. ભૂષણ કુમાર પોતાના સ્ટાર્સને પણ લક્ઝરી ગિફ્ટ આપતા રહે છે. તેઓ કાર્તિક આર્યનને McLaren GT અને ઓમ રાઉતને રૂ. 4 કરોડની કાર ભેટમાં આપીને ચર્ચામાં રહ્યા હતા.
