
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાદરવા મહિનામાં ઉજવાતા ગણેશોત્સવનું મહત્ત્વ વધી રહ્યું છે. તેમાં પણ મુંબઇ અને મહારાષ્ટ્રમાં આ ઉત્સવનું વિશેષ મહત્વ છે. ગણપતિ ઉત્સવ દિવાળી જેટલાં જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવાય છે. આથી બોલીવૂડમાં પણ અનેક ફિલ્મકારો પોતાના ઘેર ભગવાન ગણેશનું સ્થાપન અને પૂજન કરે છે. તેમાં પણ કેટલીક સેલીબ્રિટિઝના ગણપતિ ખાસ જાણીતા છે અને તેમનાં ચાહકો પણ તેમના ઉત્સવની રાહ જોતાં હોય છે. આ વર્ષે અનન્યા પાંડેથી લઇને શર્વરી વાઘ, કરીના કપૂર, ગોવિંદા, સોહા અલી ખાન, તુષાર કપૂર, દિવ્યા દત્તા, સોનૂ સૂદ સહિતના કલાકારોએ ઘરમાં ગણપતિબાપ્પાનું સ્થાપન કર્યું છે, સાથે જ નિમ્રત કૌર અને ઉર્મિલા સહિતના કલાકારોએ પણ ચાહકોને ગણપતિની શુભેચ્છાઓ પાઠવી હતી. અનન્યાએ પોતાના ઘરમાં ગણપતિ સ્થાપનની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે, કરીનાએ દીકરો જેહ ગણપતિનું પૂજન કરતો હોય એવી તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, જ્યારે ગોવિંદા અને પત્ની સુનિતા આહુજાએ ગણપતિની સાથે પૂજા કરીને છૂટાછેડાની અફવાને પણ ફગાવી છે. સોહા અલી ખાને પણ પતિ કુણાલ ખેમુ અને પુત્રી સાથે ગણપતિ સ્થાપનની તસવીરો જાહેર કરી હતી, જ્યારે તુષાર કપૂર પિતાંબરમાં ગણપતિ પાસે ઉભેલો દેખાય છે. દિવ્યા દત્તાએ પણ પોતાના ઘરમાં ગણપતિનું સ્થાપન કર્યું છે. જ્યારે ઉર્મિલા માતોંડકરે ગણપતિના નૃત્યની મુદ્રાથી ચાહકોને શુભેચ્છાઓ આપી છે. સોનૂ સૂદે પરિવાર સહિત તસવીર પોસ્ટ કરી હતી, જ્યારે નિમ્રત કૌરે ગણપતિ પંડાલની મુલાકાત લઇને શુભેચ્છાઓ આપી હતી.
