યુકેમાં રહેતા ભારતીય ડાયસ્પોરા અને ભારતના મિત્રો દ્વારા 30 ઓગસ્ટના રોજ નવનાત સેન્ટર હેઇઝ ખાતે ભારતના 79મા સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતના હાઇ કમિશ્નર શ્રી વિક્રમ દોરાઇસ્વામીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સભાને સંબોધિત કરી હતી.
શ્રી વિક્રમ દોરાઇસ્વામીએ તેમના ભાષણમાં યુકેમાં રહેતા ભારતીયોનો તેમની દેશભક્તિ અને તેમની સખત મહેનત, ઉદ્યોગસાહસિકતા અને શિસ્ત દ્વારા ભારત અને યુકે બંનેની સેવા બદલ આભાર માન્યો હતો. તેમણે ભારતીયો હરહંમેશ તેમના વતન ભારત અને તેમના હાલના રહેઠાણના દેશ બ્રિટન બંનેમાં પ્રામાણિકતા અને સમર્પણ સાથે યોગદાન આપીને પોતાને અન્યોથી અલગ પાડવાનું ચાલુ રાખે છે તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારતીય ડાયસ્પોરાના લોકોને યુકેમાં ભારતના શ્રેષ્ઠ રાજદૂત ગણાવ્યા હતા જેઓ તેમની મહેનતુ ભાવનાથી બંને રાષ્ટ્રોના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે.
લોર્ડ રામી રેન્જરે આ પ્રસંગે ભાર મૂક્યો હતો કે ભારતીય ડાયસ્પોરા વડા પ્રધાન મોદીના વિઝનને અનુરૂપ વધુ આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. હિલિંગ્ડનના ડેપ્યુટી મેયર કાઉન્સિલર રેયસ ચમદલ અને ભૂતપૂર્વ સાંસદ શ્રી વીરેન્દ્ર શર્માએ પણ સૌને સંબોધન કર્યું હતું.
વિવિધ ભારતીય સમુદાય સંગઠનોએ ભારતના વિવિધ રાજ્યોની પરંપરાગત હસ્તકલા અને વિવિધ વાનગીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં ભારતીય પરંપરાઓ અને કલા-સ્વરૂપોની સમૃદ્ધ વિવિધતા દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ સમાવેશ થતો હતો. ગણેશ ચતુર્થીના ઉપલક્ષ્યમાં એક ખાસ ગણેશ વંદના કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભારતીય સમુદાયના અગ્રણી સભ્યો હાજર રહ્યા હતા.
