પ્રતિકાત્મક તસવીર (istockphoto)

બ્રિટિશ સરકારે ભારતીયો સહિત વિદેશી વિદ્યાર્થીઓને તેમના વિઝા પૂરા થયા બાદ થયા પછી યુકે છોડવા અને સ્ટુડન્ટ વિઝા સમાપ્ત થયા બાદ દેશમાં એસાયલમનો દાવો કરવા સામે વિદેશી વિદ્યાર્થીઓને ચેતવણી આપવા માટે સરકારે એક ડાયરેક્ટ મેસેજિંગ ઝુંબેશ શરૂ કરી છે.

હોમ સેક્રેટરી હ્વવેટ કૂપરે સોમવારે તા. 1ના રોજ હાઉસ ઓફ કોમન્સમાં એક નિવેદનમાં “તૂટેલી” એસાયલમ પ્રણાલીને સુધારવા અને અપીલ પ્રણાલીના સંપૂર્ણ પુનર્ગઠન માટેની સરકારની યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો.’’ આ વર્ષની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલા ‘ઇમિગ્રેશન શ્વેતપત્ર’માં “સ્ટુડન્ટ વિઝાના દુરુપયોગ અને શોષણ”ને લગતી શ્રેણીબદ્ધ સમસ્યાઓને જાહેર કરવામાં આવી હતી. તેમાં અભ્યાસક્રમના અંતે વિદેશી વિદ્યાર્થીઓ તરફથી કરાતા એસાયલમના દાવાઓની સંખ્યામાં વધારો થયો હોવાનું જણાવાયું હતું.

કૂપરે બીબીસીને જણાવ્યું હતું કે “તેમના દેશમાં પરિસ્થિતિ બદલાઈ ન હોવા છતાય દર વર્ષે 15,000 જેટલા વિદ્યાર્થીઓ તેમના વિઝા પૂરા થયા બાદ એસાયલમનો દાવો કરે છે. જેને કારણે રહેઠાણ અને હોટલમાં પણ સમસ્યા ઊભી થાય છે. આ બાબતને આપણે ઠીક કરવાની જરૂર છે. આ પ્રકારના દુરુપયોગ પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે અને તેથી જ અમે લોકોને સંદેશા મોકલી રહ્યા છીએ.”

યુકેની યુનિવર્સિટીઓમાં નોંધાયેલા હજારો વિદેશી વિદ્યાર્થીઓને તેમના વિઝાના અંતે મળનારા સરકારી સંદેશમાં કહેવાશે કે એસાયલમ સહાય માટેની કોઈપણ વિનંતીનું કડક મૂલ્યાંકન કરવામાં આવશે.

ગયા મહિને જાહેર કરાયેલા યુકે સરકારના આંકડા દર્શાવે છે કે જૂન 2025 માં પૂરા થયેલા વર્ષમાં 111,000 લોકોએ યુકેમાં એસાયલમનો દાવો કર્યો હતો, જે 1979 માં તુલનાત્મક રેકોર્ડ શરૂ થયા પછીનો સૌથી મોટો આંકડો છે. પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓ અગાઉ માન્ય વિઝા પર યુકેમાં આવતા દાવેદારોના ચાર્ટમાં ટોચ પર છે. જૂન 2025 માં પૂરા થયેલા વર્ષમાં 98,014 ભારતીય વિદ્યાર્થીઓએ વિઝા મેળવ્યા હતા જેમાં ગયા વર્ષની તુલનામાં એકંદરે 11 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (NISAU) યુકેના અધ્યક્ષ સનમ અરોરાએ જણાવ્યું હતું કે ‘’ઇમિગ્રેશન સિસ્ટમને દુરૂપયોગથી બચાવવાના સરકારના પ્રયાસો હજારો વાસ્તવિક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના હિતમાં છે. અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે યુકેમાં મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ કાયદાનું અને વિઝા શરતોનું સંપૂર્ણ પાલન કરે છે અને બ્રિટનની યુનિવર્સિટીઓ, અર્થતંત્ર અને સમાજને સમૃદ્ધ બનાવે છે. વિદ્યાર્થીઓએ ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મદદની જરૂર હોય, તો NISAUનો સંપર્ક કરશો તો અમે તમને માર્ગદર્શન અને સમર્થન આપીશું.”

2024ના હોમ ઑફિસના ડેટા અનુસાર, યુકેમાં એસાયલમનો દાવો કરતા લોકોમાં ભારતીય નાગરિકો છઠ્ઠા ક્રમે છે જે એસાયલમ મંજૂરીના ફક્ત 1 ટકા છે. પાકિસ્તાનીઓ અને અફઘાન લોકોનો દર 53 ટકા અને ઈરાનીઓનો દર 64 ટકા છે. બાંગ્લાદેશ (19 ટકા), સીરિયા (98 ટકા), વિયેતનામ (25 ટકા), એરિટ્રિયા (87 ટકા), સુદાન (99 ટકા) અને ઇરાક (32 ટકા) ટોચના 10 દેશોની યાદી પૂર્ણ કરે છે.

LEAVE A REPLY