મુંબઈ પોલીસે શુક્રવારે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના ઉદ્યોગપતિ પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ કરોડો રૂપિયાના છેતરપિંડીના કેસમાં લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો હતો. આ સેલિબ્રિટી કપલ પર તેમની હાલ બંધ થયેલી બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ માટે રોકાણ સોદા સાથે જોડાયેલા કેસમાં એક ઉદ્યોગપતિ સાથે લગભગ 60 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.
ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW)ના સૂત્રોએ જણાવ્યું હતું કે કે પોલીસ હવે શિલ્પ શેટ્ટી અને કુન્દ્રાના ટ્રાવેલ લોગની તપાસ કરી રહી છે. કંપનીના ઓડિટરને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.ઉદ્યોગપતિ દીપક કોઠારીએ આરોપ લગાવ્યો હતો કે 2015થી 2023ની વચ્ચે, દંપતીએ તેમના વ્યવસાયને વિસ્તૃત કરવાના બહાને તેમની પાસેથી 60 કરોડ રૂપિયા લીધા હતા. દંપતીએ કથિત રીતે આ પૈસા લોન તરીકે લીધા હતા પરંતુ બાદમાં કર બચતનો હવાલો આપીને તેને રોકાણ તરીકે દર્શાવ્યા હતાં.
કોઠારીના જણાવ્યા મુજબ, તેમને ખાતરી આપવામાં આવી હતી કે પૈસા ચોક્કસ સમયની અંદર 12% વાર્ષિક વ્યાજ સાથે પરત કરવામાં આવશે અને શિલ્પા શેટ્ટીએ એપ્રિલ 2016માં તેમને લેખિતમાં વ્યક્તિગત ગેરંટી આપી હતી. પરંતુ થોડા મહિનામાં શિલ્પા શેટ્ટીએ કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું હતું.
