ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે શુક્રવારે ગુજરાતના 195 તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ મધ્યપ્રદેશ સહિતના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળસ્તરમાં વધારો થતાં સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા હતા અને નર્મદા નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરાયા હતાં.
નર્મદા ડેમની હાલની જળ સપાટી 135.91 મીટરે પહોંચી છે, જે તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી 2.77 મીટર દૂર છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ગુરુવારે અચાનક 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં મહી નદીના જળસ્તરમાં વધારો થતાં તાત્રોલી નજીક આવેલા અજંતા પ્રાઇવેટ લિમિટેડના હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ ગુમ થયા હતાં. આ ઘટનાને પગલે NDRF, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. તે સમયે પ્લાન્ટની અંદર લગભગ 15થી વધુ કર્મચારીઓ હતા, જેમાંથી 10 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યાં હતાં. ગુરુવારે બપોરે મહી નદીનું પાણી પ્લાન્ટ પરિસરમાં ઘૂસી ગયું હતું અને 24 કલાક પછી પાંચ કામદારોનો કોઈ પત્તો લાગ્યો ન હતો
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 24 કલાકમાં 8.11 ઇંચ વરસાદ પડ્યો હતો. પંચમહાલના જાંબુઘોડામાં 6.89 ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 6.46 ઇંચ અને પાવીજેતપુરમાં 5.71 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભરુચ તાલુકામાં 5.39 ઇંચ, નેત્રંગમાં 5.35 ઇંચ અને અંકલેશ્વરમાં 4.96 ઇંચ વરસાદ નોંધાયો હતાં. રાજ્યના કુલ 12 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ, 26 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ અને 49 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
ઉકાઈ ડેમમાંથી
બીજી તરફ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરતમાંથી પસાર થતી તાપી નદી બે કાંઠે વહેતી થઈ હતી અને સુરતીઓ જીવ તાળવે ચોંટ્યો હતો. નદીના પાણી નાવડી ઓવારા અને ડક્કા ઓવારામાં ભરાયા હતાં.
વડોદરાને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવર અને તેના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં શુક્રવારે આજવાના 62 દરવાજા ખોલવામાં આવ્યા હતાં. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે પણ વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો હતો.
