
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેના પરસ્પર સંરક્ષણ કરારમાં અન્ય આરબ દેશોની એન્ટ્રીની શક્યતાને નકારી શકાય નહીં અને આવી સમજૂતી માટેના દરવાજા બંધ નથી. પાકિસ્તાન હંમેશા નાટો જેવી સમજૂતીની તરફેણ કરે છે. ખાસ કરીને મુસ્લિમ દેશોનો સાથે મળીને એકબીજાનું રક્ષણ કરવાનો મૂળભૂત હક છે. કતાર અને યુએઇ પણ પાકિસ્તાન સાથે ડિફેન્સ કરાર માટે ચર્ચા કરી રહ્યાં હોવાના અહેવાલ વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને આ ટીપ્પણી કરી હતી.
પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેની હુમલા વખતે એકબીજાનું રક્ષણ કરવાના સંરક્ષણ કરાર અંગે પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન પાકિસ્તાન-સાઉદી વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ કરારના મુદ્દે જણાવ્યું હતું કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી છે, જે છેલ્લા કેટલાંક વર્ષોમાં વધુ ગાઢ બની છે. અમને અપેક્ષા છે કે આ વ્યૂહાત્મક ભાગીદારી પરસ્પર હિતો અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખશે.
રિયાધમાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સંરક્ષણ કરાર હસ્તાર કર્યાં હતા. આ કરાર મુજબ બંને દેશો એક પરના હુમલાને બીજા પરનો હુમલો ગણશે.
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સરકાર ભારતના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા અને તમામ ક્ષેત્રોમાં વ્યાપક સુરક્ષા જાળવવા માટે જરૂરી તમામ પગલાં લેશે. સરકારી આપણી રાષ્ટ્રીય સુરક્ષા તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા માટે આ આ ગતિવિધિની અસરોનું મૂલ્યાંકન કરશે.
કતાર અને યુએઇ પણ પાકિસ્તાન સાથે ડિફેન્સ કરાર માટે ચર્ચા કરી રહ્યાં હોવાના અહેવાલ અંગે જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત કતાર અને યુએઈ બંને સાથે ખૂબ જ વિસ્તૃત સંબંધો જાળવી રાખે છે અને વિચારવિમર્શ થતો રહે છે.
