કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે પીઢ અભિનેતા મોહનલાલને વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. 23 સપ્ટેમ્બર, 2025ના રોજ 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં તેમને એવોર્ડ એનાયત કરાશે. 65 વર્ષીય મોહનલાલ મલયાલમ ફિલ્મોના સ્ટાર છે પરંતુ તેમણે દેશભરના લોકો પર પોતાની અભિનય કળાની છાપ છોડી છે.
દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ સિલેક્શન સમિતિએ મોહનલાલના નામની ભલામણ કરી હતી. માહિતી પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું, કે ‘મોહનલાલની અદભૂત સિનેમા યાત્રા પ્રેરણાદાયી છે. દિગ્ગજ સ્ટારને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ એનાયત કરાશે.
મોહનલાલને અગાઉ ભારત સરકારે પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ સન્માનથી સન્માનિત કર્યા હતાં. તેમને અત્યાર સુધીમાં 5 નેશનલ ફિલ્મ ઍવોર્ડ પણ મળી ચૂક્યા છે. તેમણે તેમના 45 વર્ષના કરિયરમાં 350થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. મલયાલમની સાથે સાથે તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં પણ મોહનલાલે કામ કર્યું છે. મોહનલાલે 1980માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ગત વર્ષે બૉલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીને 2022 માટે દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા
