હિન્દી ફિલ્મ ‘હોમબાઉન્ડ’ને 2026ના એકેડેમી એવોર્ડ્સ માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર કેટેગરીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરાઈ છે. નીરજ ઘેવાન દ્વારા દિગ્દર્શિત તથા કરણ જોહર અને આદર પૂનાવાલા દ્વારા નિર્મિત ‘હોમબાઉન્ડ’માં ઇશાન ખટ્ટર, વિશાલ જેઠવા અને જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે.
પસંદગી સમિતિના અધ્યક્ષ એન ચંદ્રાએ શુક્રવારે જણાવ્યું હતું ઓસ્કારમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે વિવિધ ભાષાઓમાં કુલ 24 ફિલ્મો સ્પર્ધામાં હતી. તે ખૂબ જ મુશ્કેલ પસંદગી હતી. આ એવી ફિલ્મો હતી જેણે લોકોના જીવનને સ્પર્શી હતી. અમે જજ નહીં, પણ કોચ છીએ. અમે એવા ખેલાડીઓ શોધી રહ્યા હતા જેમણે પોતાની છાપ છોડી છે.
12 સભ્યોની પસંદગી સમિતિમાં નિર્માતાઓ, દિગ્દર્શકો, લેખકો, સંપાદકો અને પત્રકારોનો સમાવેશ થાય છે.
‘હોમબાઉન્ડ’ને ઉત્તર ભારતના એક નાના ગામના બે બાળપણના મિત્રોની કહાની છે. બંને મિત્રો એવી પોલીસની નોકરીનો શોધી રહ્યાં છે જે તેમને લાંબા સમયથી નકારવામાં આવેલા ગૌરવનું વચન આપે છે. આ ફિલ્મને ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) 2025 માટે પસંદ કરવામાં આવી છે.
ઓસ્કાર્સ રેસમાં સામેલ બીજી ફિલ્મોમાં ‘પુષ્પા 2’, ‘ધ બેંગાલ ફાઇલ્સ’, ‘સુપરબોય્સ ઑફ માલેગાંવ’, ‘કન્નપ્પા’, ‘મેટા ધ ડેઝલિંગ ગર્લ’, ‘સાંબર બોંડા’, ‘કેસરી ચેપ્ટર 2’, ‘આઈ વોન્ટ ટુ ટોક’, ‘તન્વી ધ ગ્રેટ’, ‘કુબેરા’ જેવી ફિલ્મો પણ હતી.
