પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાનમાં ચાબહાર પોર્ટના ઓપરેટર્સ પર 29 સપ્ટેમ્બર 2025ની અસરથી પ્રતિબંધો મૂકવાની જાહેરાત કરી હતી. અમેરિકાના આ નિર્ણયથી ભારતને મોટી અસર થશે, કારણ કે પાકિસ્તાનને બાયપાસ કરવા ભારતે પોર્ટ ડેવલપ કર્યું છે અને ભારત તેનું ઓપરેટર્સ છે. આ પોર્ટ અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા માટે ભારતનું વ્યૂહાત્મક પ્રવેશદ્વાર છે.

સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય નાયબ પ્રવક્તા થોમસ પિગોટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પગલું પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અલગ પાડવા માટે મહત્તમ દબાણ કરવાની નીતિ સાથે સુસંગત છે. અગાઉ 2018માં અફઘાનિસ્તાનના પુનઃનિર્માણ માટે અમેરિકાએ ઇરાન ફ્રીડમ એન્ડ કાઉન્ટર પ્રોલિફરેશન એક્ટ ((IFCA) હેઠળ આ પોર્ટને પ્રતિબંધોમાં માફી આપી હતી. જોકે હવે 29 સપ્ટેમ્બર 2025થી આ માફી રદ કરાશે. તેનાથી ચાબહાર બંદરનું સંચાલન કરતા અથવા IFCAમાં વર્ણવેલ અન્ય પ્રવૃત્તિઓમાં સામેલ થનારા વ્યક્તિઓ IFCA હેઠળ પ્રતિબંધોનો સામનો કરી શકે છે.

ભારત પ્રાદેશિક વેપારને વેગ આપવા માટે, ખાસ કરીને અફઘાનિસ્તાન સાથેના તેના જોડાણ માટે ચાબહાર બંદર પ્રોજેક્ટનો હિસ્સો બનેલું છે. ચાબહાર બંદરને INSTC પ્રોજેક્ટનું એક મુખ્ય હબ માનવામાં આવે છે. ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) એ ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબૈજાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપ વચ્ચે માલસામાનની હેરફેર માટે 7,200 કિમી લાંબો મલ્ટી-મોડ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ છે.

LEAVE A REPLY