(ANI Photo)

અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાની સ્વતંત્ર તપાસની માંગ કરતી જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) પાસેથી જવાબ માંગ્યો હતો. સર્વોચ્ચ અદાલતે પાયલટની ભૂલને કારણે દુર્ઘટના થઈ હોવાનો સંકેત આપતા અહેવાલને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવ્યો હતો.

કોર્ટે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો પાસેથી પણ જવાબ માંગ્યો હતો. આ બ્યૂરોએ જુલાઈમાં 265 લોકોના જીવ લેનારી આ દુર્ઘટનાનું કારણ શું હતું તે અંગેનો પ્રારંભિક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. રિપોર્ટમાં કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર વચ્ચેની વાતચીતનો ઉલ્લેખ કરાયો હતો. રિપોર્ટમાં જણાવાયું છે કે કોકપીટ ઓડિયોએ પુષ્ટિ આપી છે કે એક પાઇલટે પૂછ્યું હતું કે તમે ફ્યુઅલ સ્વીચ કેમ બંધ કરી?” અને બીજાએ જવાબ આપ્યો હતો કે “મેં સ્વીચ બંધ નથી કરી. આનાથી એવી અટકળો શરૂ થઈ કે આ આઘાતજનક દુર્ઘટના પાછળ પાઇલટની ભૂલ હતી.

એવિએશન સેફ્ટી એનજીઓ સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશને જાહેર હિતની અરજી દાખલ કરી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પ્રારંભિક અહેવાલમાં મહત્વપૂર્ણ માહિતી છુપાવવામાં આવી છે અને નાગરિકોના જીવન, સમાનતા અને સત્ય માહિતીની પહોંચના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે ૧૨ જૂનની દુર્ઘટનાને ૧૦૦થી વધુ દિવસ વીતી ગયા છે, પરંતુ ફક્ત પ્રારંભિક અહેવાલ જ જાહેર કરાયો છે. તેમાં શું થયું હશે અને શું સાવચેતી રાખવી જોઈએ તે જણાવવામાં આવ્યું નથી. પરિણામે આ બોઇંગ વિમાનોમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો આજે જોખમમાં છે.

ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ એન. કોટિશ્વર સિંહની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે અરજદારની નિષ્પક્ષ તપાસની માંગ સમજી શકાય તેવી છે, પરંતુ તમામ તારણો જાહેર કરવાથી તપાસ પર અસર પડી શકે છે. ધારો કે કાલે એવું કહેવામાં આવે કે પાઇલટ ‘A’ જવાબદાર છે. તો પાઇલટના પરિવારને ભોગવવું પડશે.

વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે સરકારને રિપોર્ટ સુપરત કરવામાં આવે તે પહેલા ધ વોલ સ્ટ્રીટ જર્નલે એક લેખ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટ પાઇલટ્સને દોષી ઠેરવવાનો પ્રયાસ કરાયો છે… કંઈક લીક થયું છે. આ પછી તમામ કહેવા લાગ્યા કે પાઇલટ્સની ભૂલ હતી… તેઓ ખૂબ જ અનુભવી પાઇલટ્સ હતાં. જે કહાની આપવામાં આવી રહી હતી તે એ હતી કે પાઇલટ્સે ઇરાદાપૂર્વક એન્જિનને ઇંધણ પુરવઠો બંધ કરી દીધો હતો, આના જવાબમાં, ન્યાયાધીશ કાંતે જવાબ આપ્યો હતો કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને બેજવાબદાર પ્રકારના નિવેદનો છે. આવા મામલાઓમાં ગુપ્તતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

 

LEAVE A REPLY