ટેક્સાસમાં ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા (PTI Photo)

ટેક્સાસમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિયન’ તરીકે ઓળખાતી ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમા અંગેની રિપબ્લિકન નેતા એલેક્ઝાન્ડર ડંકનની વાંધાજનક ટીપ્પણીને કારણે હિન્દુઓનો રોષ ભભૂકી ઉઠાવ્યો હતો. અમેરિકાને ખ્રિસ્તી રાષ્ટ્ર ગણાવીને ડંકને હિન્દુ દેવતાની પ્રતિમાના નિર્માણ સામે વાંધો ઉઠાવ્યો હતો.

ડંકને X પર લખ્યું હતું કે આપણે ટેક્સાસમાં ખોટા હિન્દુ ભગવાનની નકલી મૂર્તિ કેમ રહેવા દઈએ છીએ? આપણે એક ખ્રિસ્તી રાષ્ટ્ર છીએ. તેમણે ટેક્સાસના સુગર લેન્ડ શહેરમાં શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં સ્થિત આ મૂર્તિના વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. બીજી એક પોસ્ટમાં તેમણે બાઇબલનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે “મારા સિવાય તમારે બીજો કોઈ દેવ ન હોવો જોઈએ. તમારે તમારા માટે કોઈ પણ પ્રકારની મૂર્તિ બનાવવી જોઈએ નહીં, સ્વર્ગમાં, પૃથ્વી પર કે સમુદ્રમાં કોઈ પણ વસ્તુની મૂર્તિ બનાવવી જોઈએ નહીં.”

ડંકનની ભડકાઉ ટિપ્પણીઓનો સોશિયલ મીડિયા પર પણ ઉગ્ર વિરોધ થયો હતો. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF)એ આ નિવેદનને હિંદુ વિરોધી અને ઉશ્કેરણીજનક ગણાવ્યું હતું. ફાઉન્ડેશને ટેક્સાસમાં રિપબ્લિકન પાર્ટીને પણ આ ટીપ્પણીની જાણ કરી હતી અને પગલાં લેવાની માગણી કરી હતી. ઘણા નેટીઝન્સે રિપબ્લિકન નેતાને યાદ અપાવ્યું હતું કે યુએસ બંધારણ તેમને કોઈપણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે.

X યુઝર જોર્ડન ક્રાઉડરે લખ્યું હતું કે “તમે હિન્દુ નથી, તેથી તે ખોટું નથી. ભગવાન ઈસુ પૃથ્વી પર આવ્યા તેના લગભગ 2000 વર્ષ પહેલાં વેદો લખાયા હતાં અને તે અસાધારણ ગ્રંથો છે. ખ્રિસ્તી ધર્મ પર તેનો સ્પષ્ટ પ્રભાવ છે… તેથી તમારા ધર્મ પહેલા આવેલા અને તમામ ધર્મ પર પ્રભાવ પાડનારા ધર્મનું સન્માન કરવું તથા તેનું સંશોધન કરવું સમજદારીભર્યું રહેશે.”

૨૦૨૪માં અનાવરણ કરાયેલ, ‘સ્ટેચ્યુ ઓફ યુનિયન’ અમેરિકા ખાતેની હિન્દુ દેવતાની સૌથી ઊંચી મૂર્તિ છે. શ્રી ચિન્નાજીયર સ્વામીજીના પ્રયાસોથી સ્થાપિત કરાયેલી આ મૂર્તિ અમેરિકામાં ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે.

LEAVE A REPLY