FILE PHOTO: A T-Mobile REUTERS/Mike Blake/File Photo

ટ્રમ્પ વહીવટીતંત્રે એચવનબી વિઝાની ફીમાં તોતિંગ વધારો કરીને ભારતીય માટે અમેરિકામાં નોકરી કરવાનું મુશ્કેલ બનાવ્યું છે ત્યારે 22 સપ્ટેમ્બરે અમેરિકાની બે અગ્રણી કંપનીઓએ ભારતીય મૂળના પ્રોફેશનલ્સને પ્રમોશન આપીને કંપનીના સીઇઓ બનાવ્યાં હતાં. અગ્રણી ટેલિકોમ કંપની ટી-મોબાઇલે ભારતીય મૂળના શ્રીનિવાસન ગોપાલનને બઢતી આપીને સીઇઓ બનાવ્યા છે. 55 વર્ષીય ગોપાલન હાલમાં ટી-મોબાઇલના સીઓઓ છે અને પહેલી 1 નવેમ્બરથી માઇક સિવર્ટ પાસેથી સીઇઓનો કાર્યભાર સંભાળશે.

IIM અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોપાલન પાસે ઘણા દેશો અને ઉદ્યોગોમાં કામ કર્યાનો અનુભવ છે. હિન્દુસ્તાન યુનિલિવરમાં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે શરૂઆત કરીને, તેમણે ભારતી એરટેલ, વોડાફોન, કેપિટલ વન અને ડોઇશ ટેલિકોમમાં વરિષ્ઠ પદો પર કામ કર્યું છે. ટી-મોબાઇલમાં તેમણે ટેકનોલોજી, ગ્રાહક અને વાણિજ્યિક વિભાગોનું નેતૃત્વ કર્યું હતું.

બીજી તરફ શિકાગો સ્થિત બેવરેજ કંપની મોલ્સન કૂર્સે પણ રાહુલ ગોયલને સીઇઓ અને પ્રેસિડન્ટ તરીકે પ્રમોશન આપ્યું છે. મોલ્સન વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી બીયર કંપની છે. રાહુલ ગોયલ હાલમાં કંપનીમાં ચીફ સ્ટ્રેટેજિક ઓફિસર છે અને ગેવિન હેટરસ્લીના સ્થાને 1 ઓક્ટોબરથી કંપનીના પ્રેસિડન્ટ અને સીઇઓનો કાર્યભર સંભાળશે

મૂળ રૂપે ભારતમાં જન્મેલા ગોયલે મૈસૂરમાં એન્જિનિયરિંગની ડિગ્રી લીધા પછી ડેનવરમાં બિઝનેસનો અભ્યાસ કર્યો હતો. તેમણે અમેરિકા, યુકે અને ભારતમાં કૂર્સ અને મોલ્સન બ્રાન્ડ્સ સાથે કામ કર્યું છે. મોલ્સન કૂર્સના બોર્ડના અધ્યક્ષ ડેવિડ કૂર્સે જણાવ્યું હતું કે સીઈઓના ઉત્તરાધિકાર પ્રક્રિયા પછી, તે સ્પષ્ટ હતું કે રાહુલ અમારા વિકાસના આગામી તબક્કાને વેગ આપવા માટે યોગ્ય અનુભવ અને વિઝન ધરાવે છે. ગોયલે કહ્યું હતું કે તેઓ કંપનીના વારસાને આગળ વધારતા પડકારોનો સામનો કરવા તૈયાર છે.

અમેરિકામાં આ બે નિમણૂકો મહત્ત્વની છે કારણ કે, ભારત સહિત અન્ય દેશોના અધિકારીઓની અહીં ઉચ્ચ-સ્તરીય હોદ્દાઓ પર નિમણૂક ઘણીવાર રાજકીય તપાસ હેઠળ હોય છે. MAGA (મેક અમેરિકા ગ્રેટ અગેઇન) ના કટ્ટરપંથીઓ ક્યારેક આ નિમણૂકોને અમેરિકન નોકરીઓ છીનવી લેવા તરીકે રજૂ કરે છે.

આની સાથે દિગ્ગજ કંપનીઓમાં ભારતીય મૂળના સીઇઓ સંખ્યામાં વધારો થયો હતો. હાલમાં માઇક્રોસોફ્ટ, ગૂગલ, IBM, FedEx અને એક ડઝનથી વધુ ફોર્ચ્યુન 500 કંપનીઓનું નેતૃત્વ ભારતીય મૂળના પ્રોફેશનલ કરી રહ્યાં છે.

LEAVE A REPLY