(Photo by Monica Schipper/Getty Images)

જ્હાન્વી કપૂરની તાજેતરમાં રીલીઝ થયેલી નવી ફિલ્મ ‘પરમ સુંદરી’માં તેની ભાષાએ બોલીવૂડમાં અનોખા પ્રકારની ચર્ચાને ઉત્તેજન આપ્યું છે. કહેવાય છે કે, ફિલ્મોમાં ઉચ્ચારો અને લહેકો પાત્ર-કલાકારને સફળ બનાવી શકે છે અથવા તો તેની નકારાત્મક છાપ પણ ઊભી કરી શકે છે. બોલીવૂડનાં ક્લાકારો ઘણીવાર તેમનાં પાત્રોની સાંસ્કૃતિક, પ્રાદેશિક અથવા સામાજિક પૃષ્ઠભૂમિને અનુરૂપ ન્યાય આપવા માટે અથાગ મહેનત કરતા હોય છે. ઘણીવાર તેને સકારાત્મક સ્વીકૃતિ મળે છે અને કેટલીક વાર લોકો મિશ્ર પ્રતિક્રિયાઓ પણ આપે છે. અહીં બોલીવૂડનાં એવા કલાકારો આધારિત માહિતી આપવામાં આવી છે કે, જેમના ફિલ્મમાં લહેકા અને ઉચ્ચારોની સમીક્ષા કરવામાં આવી હોય.

જાન્હવી કપૂરઃ પરમ સુંદરી (2025)
આ ફિલ્મમાં જ્હાન્વીની મલયાલમ બોલીને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કેટલાક લોકોએ તેની મહેનતને બિરદાવી, જ્યારે કેટલાક લોકોને લાગ્યું કે તેણે શુદ્ધ ઉચ્ચાર માટે વધુ મહેનત કરવાની જરૂર હતી.

રિતિક રોશન સુપર 30 (2019)
આ ફિલ્મમાં રિતિકે પટનાના ગણિતજ્ઞ આનંદ કુમારનું પાત્ર ભજવવાનો પડકાર ઝીલ્યો હતો, તેણે આ ભૂમિકાને ન્યાય આપવા માટે, બિહારી ઉચ્ચાર અપનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પાત્ર પાછળની તેની મહેનતને ઘણા દર્શકોએ વખાણી હતી, પરંતુ ઘણા દર્શકોને લાગ્યું કે તેના ઉચ્ચાર દરેક પ્રસંગે યોગ્ય નહોતા. તો ઘણા લોકો એવા હતાં, જે રિતિકને એક અર્બન હીરો અને સમૃદ્ધ પરિવારના દેખાવથી બહાર આવા કોઈ રોલમાં સ્વીકારી શક્યા નહોતા.

શાહરૂખ ખાન: રા.વન (2011)
અનુભવ સિંહાના દિગ્દર્શનમાં બનેલી રા.વન ફિલ્મમાં શાહરુખ ખાને તમિલ બ્રાહ્મણ વૈજ્ઞાનિક શેખર સુબ્રમણ્યમની ભૂમિકા ભજવી હતી. તેમાં દક્ષિણ ભારતીય લહેકાનો તેનો પ્રયાસ નોંધપાત્ર હતો, પરંતુ તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કેટલાકને શાહરુખનો આ અંદાજ ગમ્યો હતો, પરંતુ કેટલાંક લોકોને લાગ્યું કે આ પ્રયોગ અતિશયોક્તિપૂર્ણ છે.

કંગના રનૌતઃ તનુ વેડ્સ મનુ (2011), મણિકર્ણિકા (2019)
તનુ વેડ્સ મનુમાં, કંગનાએ કાનપુરિયા ઉચ્ચારને યોગ્ય રીતે રજૂ કર્યા હતા. તનુની બેબાક અને બિન્દાત શૈલી વિશ્વાસપાત્ર બનાવી હતી, પછી, મણિકર્ણિકામાં, રાણી લક્ષ્મીબાઈ તરીકેના તેના શાહી અંદાજ અને લહેકાએ ભૂમિકામાં આકર્ષણ ઉમેર્યું હતું, જેના કારણે તેની પ્રશંસા થઈ હતી.

આમિર ખાનઃ લગાન (2001) અને દંગલ (2016)
બોલીવૂડમાં પરફેક્શનિસ્ટ અને ચોકલેટી હીરો તરીકે જાણીતા આમિર ખાને લગાન અને દંગલ ફિલ્મોમાં પોતાનો અલગ લહેકો અપનાવ્યો હતો. લગાનમાં, તેનો ગામઠી ઉચ્ચાર 19મી સદીની ગ્રામીણ સંસ્કૃતિ સાથે અનુરૂપ હતો, તે થોડી રાજસ્થાની ભાષાથી પ્રેરીત હતો. તેના ઘણા વર્ષ પછી, દંગલ ફિલ્મમાં, કુસ્તીબાજ મહાવીર સિંહ ફોગટ તરીકેના તેના હરિયાણવી ઉચ્ચાર અને બોડી લેંગ્વેજને પિચ-પરફેક્ટ તરીકે વખાણવામાં આવ્યા હતાં. આ ફિલ્મમાં તેનો અભિનય દર્શકોને ખૂબ જ સહજ જણાયો હતો.

દીપિકા પાદુકોણઃ ચેન્નાઈ એક્સપ્રેસ (2013)
આ ફિલ્મમાં દીપિકાનું મીનમ્માનું પાત્ર, તમિલિયન ઉચ્ચાર સાથે જોવા મળ્યું હતું. તે ફિલ્મની એક હાઇલાઇટ બની હતી. આ ફિલ્મમાં તેના અને શાહરુખના કોમિક ટાઇમિંગની પણ ઘણી પ્રશંસા થઇ હતી. જોકે કેટલાક દર્શકો માનતા હતા કે, તેને થોડી વધારે પડતી તમિલ બનવાનો પ્રયાસ કરાયો છે, જે સહજ લાગતી નથી.

આલિયા ભટ્ટઃ ઉડતા પંજાબ (2016)
આલિયા ભટ્ટએ ઉડતા પંજાબ ફિલ્મમાં બિહારી પ્રવાસી કામદાર તરીકેના કડક અભિનયથી દર્શકોને સ્તબ્ધ કરી દીધાં હતાં. તેના એકદમ દેશી ઉચ્ચારો અને ડાયલોગની ગામઠી શૈલીને દર્શકોએ ખૂબ આવકારી હતી.

રણવીર સિંહઃ ગલી બોય (2019)
રણવીર સિંહે પોતાને આ ફિલ્મમાં ધારાવીની સંસ્કૃતિને આત્મસાત કરી હતી. તેની મુંબઈયા ટપોરી ભાષા અને લહેકો એટલો સહજ હતો કે પ્રેક્ષકોએ ધારાવીના છોકરાની જેમ વાત કરવા બદલ તેની ખૂબ પ્રશંસા કરી હતી.

LEAVE A REPLY