અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાન્ડેડ કે પેટન્ટ ધરાવતી ફાર્મા પ્રોડક્ટ્સ પર લાદેલી 100 ટકા ટેરિફથી અમેરિકામાં ભારતની જેનેરિક ફાર્મા નિકાસને તાકીદે કોઇ વધુ અસર થશે નહીં. ભારતની ફાર્મા કંપનીઓ મુખ્યત્વે અમેરિકામાં જેનેરિક દવાની નિકાસ કરે છે અને જેનેરિક દવા પર કોઇ ટેરિફ લાદવામાં આવી નથી.
ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ફાર્મેક્સિલ)ના અધ્યક્ષ નમિત જોશીએ જણાવ્યું હતું કે આપણે કોઈપણ પેટન્ટ અને બ્રાન્ડેડ દવાઓ અમેરિકામાં નિકાસ કરતા નથી. હાલમાં ટેરિફ જેનેરિક દવાઓ માટે નથી. અમને આ જાહેરાતથી ભારતીય જેનેરિક ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પર બહુ અસર થવાની અપેક્ષા નથી.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, પહેલી ઓક્ટોબર 2025થી અમેરિકા કોઈપણ બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પર 100 ટકા ટેરિફ લાગુ પડશે. જો કોઈ કંપની અમેરિકામાં તેમનો ફાર્માસ્યુટિકલ ઉત્પાદન પ્લાન્ટ બનાવી રહી હોય તો તેને માફી મળશે.
ભારતમાં વિશ્વમાં 30 બિલિયન ડોલરની ફાર્મા નિકાસ કરે છે. આમાંથી આશરે 11 બિલિયન ડોલરની નિકાસ અમેરિકામાં થાય છે.
ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA)ના સેક્રેટરી જનરલ સુદર્શન જૈને પણ શુક્રવારે જણાવ્યું હતું કે 100 ટકા ટેરિફ લાદવાના પગલાથી ફક્ત પેટન્ટ અને બ્રાન્ડેડ પ્રોડક્ટ્સને પર અસર થશે, જેનેરિક દવાઓ પર નહીં. IPA 23 અગ્રણી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં ડૉ. રેડ્ડી, સન ફાર્મા, લ્યુપિન, ઝાયડસ લાઇફસાયન્સિસનો સમાવેશ થાય છે. IPAની સભ્ય કંપનીઓ ભારતની દવા અને ફાર્માસ્યુટિકલ નિકાસના 80 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે, અને સ્થાનિક બજારમાં 64 ટકાથી વધુ સપ્લાય આપે છે.
ફાર્મેક્સિલના ચેરમેન નમિત જોશીએ જણાવ્યું હતું કે ભારત લાંબા સમયથી સસ્તી, ઉચ્ચ-ગુણવત્તાવાળી દવાઓ માટે વૈશ્વિક સપ્લાય ચેઇનનો આધારસ્તંભ રહ્યું છે, જે યુએસની 47 ટકા ફાર્માસ્યુટિકલ જરૂરિયાતો પૂરી કરે છે. આ ઉપરાંત ભારતની મોટી કંપનીઓ પહેલાથી જ યુએસમાં ઉત્પાદન અથવા રિપેકેજિંગ યુનિટો ધરાવે છે.
