
ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધોમાં નાટકીય અને અણધાર્યા ફેરફારનાં વધુને વધુ સંકેત મળી રહ્યાં છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગુરુવારે વ્હાઉટ હાઉસમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરને મળ્યાં હતાં અને તેમની સાથે પ્રાદેશિક સુરક્ષા, આતંકવાદ વિરોધી સહયોગ અને અન્ય મુદ્દાઓ ચર્ચાવિચારણા કરી હતી. આ બેઠક લગભગ એક કલાક અને 20 મિનિટ સુધી ચાલી હતી. UNGAની સેશન દરમિયાન મંગળવારે ન્યૂયોર્કમાં પણ ટ્રમ્પ અને શરીફ વચ્ચે બેઠક યોજાઈ હતી. જૂન પછી ફિલ્ડ માર્શલ મુનીર અને ટ્રમ્પ વચ્ચેની આ બીજી મુલાકાત હતી.
આ મુલાકાત પહેલા ટ્રમ્પે શરીફ અને મુનીરને શાનદાર વ્યક્તિ ગણાવ્યાં હતાં. આ બેઠક અંગે પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતે આ બેઠકની નોંધ લીધી છે. આતંકવાદ જેવા મુદ્દાઓ પર પાકિસ્તાન સાથેની ભારતની ચર્ચામાં કોઈ ત્રીજા પક્ષની સામેલગીરીનો કોઇ અવકાશ નથી. ભારત હંમેશા માને છે કે આ મુદ્દો દ્વિપક્ષીય છે.
પાકિસ્તાનના કોઇ વડાપ્રધાનની છ વર્ષમાં વ્હાઉટ હાઉસની આ પ્રથમ મુલાકાત હતી. પાકિસ્તાન પીએમ ઓફિસના નિવેદન મુજબ શાહબાઝ શરીફે વિશ્વભરમાં સંઘર્ષોનો અંત લાવવાના નિષ્ઠાવાન પ્રયાસો માટે ટ્રમ્પને શાંતિપ્રિય વ્યક્તિ ગણાવ્યાં હતાં તથા પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધવિરામને સરળ બનાવવા માટે તેમના બહાદુર અને નિર્ણાયક નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે ટ્રમ્પને તેમની અનુકૂળતાએ પાકિસ્તાનની સત્તાવાર મુલાકાત લેવા માટે ઉષ્માભર્યું અને સૌહાર્દપૂર્ણ આમંત્રણ પણ આપ્યું હતું.
જુલાઈ 2019માં તત્કાલીન વડાપ્રધાન ઇમરાન ખાન વોશિંગ્ટન ગયાં હતાં અને પ્રેસિડન્ટ ટ્રમ્પને મળ્યા હતાં. પ્રથમ ટર્મમાં ટ્રમ્પે પાકિસ્તાન પર અબજો ડોલરની સહાય મેળવીને અમેરિકા સાથે છેતરપિંડી કરવાનો અને ખોટુ બોલવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે અગાઉ પાકિસ્તાનને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન પણ ગણાવ્યું હતું. ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જો બાઇડને પણ તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનની સંપૂર્ણ અવગણના કરી હતી અને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપવાની વાત તો બાજુએ રહી, પરંતુ ક્યારેય કોઈ પાકિસ્તાની પીએમ સાથે ફોન પર પણ વાતચીત કરી ન હતી.
જોકે જાન્યુઆરીમાં ટ્રમ્પે બીજા કાર્યકાળ માટે પદભાર સંભાળ્યો ત્યારથી પાકિસ્તાન-અમેરિકા સંબંધોમાં નાટકીય અને અણધાર્યો ફેરફાર આવ્યો છે. જૂનમાં ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આર્મી ચીફ મુનીર સાથે એક દુર્લભ વન-ટુ-વન મુલાકાત કરી હતી.
પાક.પીએમ ઓફિસના નિવેદન અનુસાર શાહબાઝ શરીફે પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધવિરામમાં મદદ કરવા બદલ ટ્રમ્પના નીડર, હિંમતવાન અને નિર્ણાયક નેતૃત્વની પ્રશંસા કરી હતી. આ યુદ્ધવિરામથી દક્ષિણ એશિયામાં મોટી આફત ટાળવામાં મદદ મળી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે 10મે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે ભારત અને પાકિસ્તાન વોશિંગ્ટનની મધ્યસ્થી હેઠળ રાતભરની વાટાઘાટો પછી સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ પછી ટ્રમ્પ આશરે 50 વખત આવો દાવો કરી ચુક્યાં છે. જોકે ભારત ટ્રમ્પના આવા દાવાને નકારી ચુક્યું છે.
પશ્ચિમ એશિયાની સ્થિતિની ચર્ચા કરતી વખતે શાહબાઝે મુસ્લિમ વિશ્વના અગ્રણી નેતાઓને ચર્ચા માટે આમંત્રણ આપવાની ટ્રમ્પની પહેલની પ્રશંસા કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ખાસ કરીને ગાઝા અને વેસ્ટ બેન્કમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની ચર્ચા કરવા માટે ટ્રમ્પે મુસ્લિમ દેશોના નેતાઓને આમંત્રણ આપ્યું હતું. શાહબાઝે આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે થયેલી ટેરિફ વ્યવસ્થા માટે પણ ટ્રમ્પનો આભાર માન્યો હતો. શાહબાઝ શરીફે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રેસિડન્ટ ટ્રમ્પના નેતૃત્વમાં બંને દેશોના પરસ્પર લાભ માટે પાકિસ્તાન-અમેરિકા ભાગીદારી વધુ મજબૂત બનશે. તેમણે અમેરિકન કંપનીઓને પાકિસ્તાનના કૃષિ, આઈટી, ખાણો અને ખનિજો અને ઉર્જા ક્ષેત્રોમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. આ બેઠક દરમિયાન વાઇસ પ્રેસિડન્ટ જેડી વાન્સ અને વિદેશ પ્રધાન માર્કો રુબિયો પણ હાજર હતા.
