સાઉથ કેરોલિના યુનિયનમાં તાજેતરમાં લૂટના ઇરાદે કરાયેલી એક મહિલાની હત્યાના કેસમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી. 16 સપ્ટેમ્બરના રોજ ગેસ સ્ટેશન સ્ટોર ખાતે 49 વર્ષીય મહિલા કિરણ પટેલની હત્યાના આરોપમાં 21 વર્ષીય ઝાડેન મેક હિલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કલાકો સુધી સંઘર્ષ કર્યા પછી હિલની ધરપકડ કરી હતી અને તેના પર જુદા જુદા બે ગોળીબારના આરોપો છે. ડીડીઝ ફૂડ માર્ટના સંચાલક કિરણ પટેલને ગોળી મારવામાં આવી હતી. ઘટના સમયે હિલ તેમની પાસે ગયો હતો, કેશ રજિસ્ટર પર ચઢીને તેઓ પૈસા આપે તે પહેલાં જ તેણે ગોળી ધરબી દીધી હતી. 18 સપ્ટેમ્બરે સાઉથ કેરોલિના પોલીસ અને SWATના અધિકારીઓ હિલને શોધવા અને ધરપકડ વોરંટ સાથે એક ઘરમાં પહોંચ્યા હતા. આ શકમંદ આરોપીએ શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર કરતાં તેમની વચ્ચે ઘર્ષણ થયું હતું. અંતે હિલને ઘરમાંથી બહાર કાઢવામાં પોલીસને સફળતા મળી હતી અને તેને યુનિયન કાઉન્ટી જેલમાં મોકલાયો હતો. મહિલાના પરિવારજનો આ ઘટનાની સાથે યુનિયનમાં થયેલી અન્ય હત્યાના બનાવને પણ યાદ કરી રહ્યા છે. કિરણ પટેલનો પુત્ર અને ભાઈ હવે તેમને યાદ કરીને હત્યારાને મૃત્યુદંડની સજા આપવા માટે દબાણ કરી રહ્યા છે. કિરણ પટેલના ભાઇ કહે છે કે, ‘આ મારા જીવનનું સૌથી મોટું નુકસાન છે.’ કિરણ પટેલની જે દિવસે હત્યા થઇ હતી તેના થોડા સમય પછી બીજી એક હત્યા થઇ હતી. પ્રથમ હત્યા મંગળવારે સવારે થઈ હતી, જેમાં પોલીસને સાઉથ માઉન્ટેન સ્ટ્રીટ ખાતેના યાર્ડમાં 67 વર્ષીય ચાર્લ્સ ક્રોસબીની ગોળી મારીને હત્યા કરાયેલી લાશ મળી હતી. બીજો જીવલેણ ગોળીબાર મંગળવારે સાંજે ડીડીઝ ફૂડ માર્ટમાં થયો હતો. આ અંગે કિરણ પટેલના ભાઇએ કહ્યું હતું કે, ‘હું ખરેખર ખૂબ દુઃખી છું કે, તે વ્યક્તિ આવીને મારી નિર્દોષ બહેનની હત્યા કરે છે.’ કિરણ પટેલના પુત્રએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, તે 14 વર્ષથી યુનિયનમાં રહેતા હતા અને છેલ્લા બે વર્ષથી ડીડીઝ ફૂડ માર્ટમાં કામ કરતા હતા. કોર્ટે ઝાડેન હિલને બોન્ડ આપવાનો ઇન્કાર કર્યો હતો. કિરણ પટેલના ભાઇએ જણાવ્યું હતું કે, ‘જો તેને હિલને પ્રશ્ન પૂછવાની તક મળશે તો, હું તેને પૂછીશ કે તે આવી ક્રૂર હત્યા કેમ કરી? આપણે જાણીએ છીએ તેમ તે સૌથી પવિત્ર આત્મા હતો, આપણે ફક્ત એટલું જ જાણવું છે કે, હત્યા કરવા માટેનું કારણ શું હતું?’ હિલને ડિસેમ્બરમાં ફરીથી કોર્ટમાં હાજર કરાશે. પરિવારના જણાવ્યા મુજબ, હવે તેઓ દર વર્ષે કિરણ પટેલને શ્રદ્ધાંજલિ અર્પવા માટે ફૂડ માર્ટમાં એકત્ર થશે. પટેલ પરિવારને નાણાકીય મદદ કરવા ઇચ્છતા લોકો માટે ગોફાઉન્ડમી પેજ શરૂ કરવામાં આવ્યું છે.
