પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે શુક્રવારે ભારત સાથે તમામ પડતર મુદ્દે પરિણામલક્ષી ચર્ચા કરવા માટે આતુરતા વ્યક્ત કરી હતી. તેમણે તમામ મુદ્દાનો ચર્ચાથી સમાધાન લાવવાની ભલામણ કરીને કાશ્મીરની સ્થિતિ અંગે ભારતના વલણની ટીકા પણ કરી હતી. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના 80મા સેશનમાં ચર્ચા દરમિયાન સંબોધન કરતાં શરીફે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો. શરીફે દાવો કર્યો હતો કે, મે મહિનામાં ચાર દિવસના ઘર્ષણ દરમિયાન ભારતના સાત ફાઈટ જેટને નુકસાન થયુ હતું. શરીફે ભારત સાથે તણાવ મુદ્દે યુએનમાં કહ્યુ હતું કે, પાકિસ્તાન દરેક વિવાદને રાજદ્વારી અને ચર્ચાથી ઉકેલવા ઇચ્છે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 2003માં પાકિસ્તાનના તત્કાલીન પ્રેસિડેન્ટ પરવેઝ મુશર્રફની ભારતના વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇ સાથે મંત્રણા થઈ હતી અને શાંતિના માર્ગે બંને દેશ આગળ વધી રહ્યા હતા. જોકે, મુંબઈ ખાતે 2008માં ત્રાસવાદી હુમલા પછી બંને દેશના સંબંધો વણસ્યા હતા.
