અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચીજ-વસ્તુઓ પર ભારે ટેરિફ લાદતા રશિયા દેશની મદદનો હાથ લંબાવ્યો છે. અમેરિકન ટેરિફથી ભારતને થઈ રહેલા નુકસાને સરભર કરવા માટે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને નવી દિલ્હી પાસેથી વધુ કૃષિ પેદાશો અને દવાઓ ખરીદવા સહિતના પગલાં લેવાનો આદેશ આપ્યો છે.
તાજેતરમાં વાલ્ડાઈ પ્લેનરી સેશનમાં પુતિને કહ્યું હતું કે, તેઓ ડિસેમ્બરની શરૂઆતમાં ભારતની મુલાકાત અને મિત્ર તેમ જ વિશ્વસનીય ભાગીદાર વડાપ્રધાન મોદી સાથે મુલાકાત માટે આતુર છે. પુતિને પીએમ મોદીના નેતૃત્વ હેઠળની ભારતની રાષ્ટ્રવાદી સરકારની પ્રશંસા કરીને મોદીને સંતુલિત, બુદ્ધશાળી અને રાષ્ટ્રલક્ષી નેતા ગણાવ્યાં હતાં.
ભારત પર ઊંચા ટેરિફ અને પ્રતિબંધો લાદવાની અમેરિકાની ધમકી અંગેના સવાલના જવાબમાં પુતિને જણાવ્યું હતું કે, ભારતીય લોકોને તેમના રાષ્ટ્રીય હિતો અને પ્રાથમિકતાથી વિરુદ્ધ હોય તેવા નિર્ણયો લેવા માટે ધમકી શકાય નહીં અને ભારતના લોકો આવી ધમકી સહન કરશે નહીં. ભારત ક્યારેય પોતાને અપમાનિત થવા દેશે નહીં. હું વડાપ્રધાન મોદીને જાણું છું, તેઓ પણ આવા કોઈ નિર્ણયો લેશે નહીં.
