ભારત દ્વારા સ્વિત્ઝર્લેન્ડ, નોર્વે, આઈલેન્ડ અને લિંક્ટેસ્ટાઈન સાથે ઈએફટીએ વચ્ચે થયેલો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) 1 ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે. ભારતે આ ચાર વિકસીત યુરોપીયન દેશો સાથે સૌપ્રથમ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો છે જેને પગલે આ દેશોમાંથી આયાત કરેલી કેટલીક ચીજવસ્તુઓ સસ્તી થશે. આ કરાર અંતર્ગત યુરોપના ચાર દેશો આવનારા 15 વર્ષમાં ભારતમાં 100 બિલિયન ડોલરનું રોકાણ કરશે. આ એગ્રીમેન્ટની વિશેષતા એ છે કે સૌપ્રથમ વખત તેમાં રોકાણ અને રોજગારી માટે પ્રતિબદ્ધતા સામેલ છે. દેશમાં પ્રત્યક્ષ રીતે 10 લાખ રોજગારીનું સર્જન થવાની સંભાવના છે.
ઈએફટીએ દ્વારા દેશમાંથી 99.6 ટકા નિકાસ (92 ટકા ટેરિફ લાઈન)ને ડ્યુટી મુક્તિ અપાઈ છે. ભારતે પણ 82.7 ટકા ટેરિફ લાઈનો પર છૂટ આપી છે. ફાર્મા, મેડિકલ ડિવાઈસિઝ, પ્રોસેસ્ડ ફૂડ, ડેરી, સોયા, કોલસો અને કેટલાક કૃષિ ઉત્પાદનો સહિતના સંવેદનશિલ ક્ષેત્રો આ ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટમાં સામેલ નથી અને તેના પર ડ્યુટી છૂટ અપાઈ નથી. ગોલ્ડ પરની ડ્યુટીમાં કોઈ ફેરફાર કરાયો નથી, કારણ કે ભારત ઈટીએફએ પાસેથી 80 ટકાથી વધુ સોનાની આયાત કરે છે. આઈટી, શિક્ષણ, બિઝનેસ સર્વિસ અને ઓડિયો-વિઝ્યુઅલ સેવાઓને પ્રોત્સાહન મળશે.
નર્સિંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી તથા આર્કિટેક્ચર જેવા ક્ષેત્રોમાં આ એગ્રીમેન્ટથી ભારતીય પ્રોફેશનલ્સને નવી તકો પ્રાપ્ત થશે. ભારતમાં સ્વિત્ઝર્લેન્ડની વાઈન, ચોકલેટ, કપડાં, બિસ્કિટ, દ્રાક્ષ, ડ્રાય ફ્રૂટ્સ, શાકભાજી, કોફી અને ઘડિયાળો સહિતના ઉત્પાદનો સસ્તા થશે. ભારતીય કંપનીઓ યુરોપીયન યુનિયનમાં તેમની પહોંચ વધારવા માટે સ્વિત્ઝર્લેન્ડને મુખ્ય મથક બનાવી શકે છે. ભારતે અત્યાર સુધીમાં 16 દેશો/બ્લોક્સ સાથે એફટીએને મંજૂરી આપી છે, જેમાં શ્રીલંકા, ભૂતાન, સિંગાપોર, મલેશિયા, કોરિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા, યુએઈ, યુકે, મોરેશિયસ અને આસિયાન દેશોનો સમાવેશ થાય છે. ભારતની હાલમાં અમેરિકા, ઓમાન, પેરુ, ઈયુ, ન્યૂઝીલેન્ડ અને ઈઝરાયેલ સાથે પણ ચર્ચા થઇ રહી છે.

LEAVE A REPLY