અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચરમાં ભારતે એક ઇનિંગ અને 140 રનથી જીત મેળવી હતી. શનિવારે મેચના ત્રીજા દિવસે લંચ પછી વેસ્ટ ઈન્ડિઝનો બીજો દાવ 146 રનમાં પૂર્ણ થઇ ગયો હતો. આ મેચમાં ભારત માટે રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડ દેખાવ કરીને સદી કરીને બીજી ઇનિંગમાં ચાર વિકેટ પણ લીધી હતી. ભારત દ્વારા આપવામાં આવેલા 260 રનના વિશાળ લીડનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની બીજી ઇનિંગમાં શરૂઆતમાં જ 5 વિકેટો પડી જતાં ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી. જોકે લંચ બાદ ફરી જાડેજાએ તરખાટ મચાવતા 146 રનમાં જ વેસ્ટ ઈન્ડિઝની ટીમે શરણાગતિ સ્વીકારી લીધી હતી. આ મેચમાં, ભારતે પોતાનો પ્રથમ દાવ 5 વિકેટે 448 રન પર ડિકલેર કર્યો હતો. ભારતે પ્રથમ દાવમાં 286 રનની લીડ મેળવી હતી, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ 162 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. સીરિઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે.
