એશિયા કપ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં રવિવારે (28 સપ્ટેમ્બર) ભારતે દુબઈમાં પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી પોતાનો એશિયન ચેમ્પિયનનો તાજ જાળવી રાખ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ છેક સુધી અજેય રહી હતી અને પાકિસ્તાનને ફાઈનલ સહિત ત્રણે તબક્કે સજ્જડ રીતે હરાવ્યું હતું.
રવિવારની ફાઈનલમાં ભારતના સ્પિનર્સે પાકિસ્તાનની મિડલ ઓર્ડર બેટિંગને સાવ વામણી સાબિત કરી હતી અને પાકિસ્તાની ઓપનર્સે સારી શરૂઆત આપ્યા પછી તેની છેલ્લી નવ વિકેટ 33 રનમાં પડી ગઈ હતી. એકંદરે, ટીમ 19.1 ઓવરમાં 146 રનમાં ઓલાઉટ થઈ ગઈ હતી. ઓપનર્સ ફરહાને 57 અને ફખર ઝમાને 46 રન કર્યા હતા, તે સિવાય ત્રીજા ક્રમનો બેટર સઈમ અયુબ બે આંકડાના સ્કોરે પહોંચેલો એકમાત્ર બેટર હતો, બાકીના ત્રણ તો શૂન્યમાં વિદાય થયા હતા. ભારત તરફથી વરૂણ ચક્રવર્તીએ ફરહાન અને ફખર ઝમાનની બન્ને મહત્ત્વની વિકેટો ખેરવી હતી, તો કુલદીપ યાદવે અયુબ, સુકાની સલમાન અલી સહિતની ચાર વિકેટ ફક્ત 30 રનમાં લીધી હતી. અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહે પણ બે-બે વિકેટ લીધી હતી.
તિલક વર્માની 53 બોલમાં 69 રનની અણનમ ઈનિંગની મદદથી મેચમાં ભારતે વિજય મેળવ્યો હતો. ભારત તરફથી શિવમ દુબેએ 33 રન બનાવ્યા હતાં. મેચ છેલ્લી ઓવર સુધી રોમાંચક બની હતી.
હરીફોની તુલનાએ ભારતની શરૂઆત ઘણી દયાજનક રહી હતી અને 20 રનમાં તો ટીમે બન્ને ઓપનર્સ તથા સુકાની સૂર્યકુમાર યાદવની વિકેટ ગુમાવી દીધી હતી. ધમાકેદાર બેટિંગ અને રનની છોળ ઉડાવનારા યુવા ઓપનર અભિષેક શર્મા તથા ઉપસુકાની શુભમન ગિલ પણ સસ્તામાં આઉટ થયા પછી ભારત માટે મુકાબલો કપરો બની ગયો હતો, એક તબક્કે તો જરૂરી રનરેટ બે આંકડામાં પહોંચી ગયો હતો.
પણ ડાબોડી બેટર તિલક વર્માએ બાજી બરાબર સંભાળી લીધી હતી અને પોતે આક્રમક બેટિંગ કરી શકે તેમ હોવા છતાં તેણે છેડો જાળવી રાખવાની ભૂમિકા ભજવી હતી. સંજુ સેમસન સાથે તેણે ચોથી વિકેટની ભાગીદારીમાં 57 રન તથા શિવમ દુબે સાથેની પાંચમી વિકેટની ભાગીદારીમાં 60 રન કરી ટીમને વિજયની મંઝિલ નજીક લાવી દીધી હતી. છેલ્લી ત્રણ ઓવરમાં ભારતને 30 રન, બે ઓવરમાં 17 અને છેલ્લી ઓવરમાં 10 રનની જરૂર હતી. 13મી ઓવરમાં 77 રને ભારતે સેમસનની ચોથી વિકેટ ગુમાવી ત્યારે તો મંઝિલ બહુ દૂર લાગતી હતી. 14મી ઓવરના અંતે ભારતને છ ઓવરમાં 64 રનની જરૂર હતી.
તિલક વર્મા 53 બોલમાં 69 રન કરી અણનમ રહ્યા હતા, જે બદલ તેને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો, તો અભિષેક શર્મા પ્લેયર ઓફ ધી સીરીઝ રહ્યો હતો. કુલદીપ યાદવને એશિયા કપમાં સૌથી વધુ 17 વિકેટ લેવા બદલ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર જાહેર કરાયો હતો.












