વૈજ્ઞાનિકોને એક નવા સંશોધનમાં જણાયું છે કે, બોન મેરોનો એક નવો ટેસ્ટ દુર્લભ અને ગંભીર પ્રકારનું બ્લડ કેન્સર ધરાવતા દર્દીઓના બચવાની સંભાવનાઓને બમણી કરવામાં મદદ કરી શકે છે. ખૂબ જ સંવેદનશીલ આ ટેસ્ટ દ્વારા લોહીની તપાસમાં જોવા મળે તે અગાઉ દર્દીઓમાં ભેદી માયલોઇડ લ્યુકેમિયાના ફરીથી વૃદ્ધિ પામે તેવા લક્ષણો જોવા મળ્યા હતા. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વહેલાસર આ અંગે જાણ થવાના કારણે બીમારી ફરીથી થવાના ‘શરૂઆતના તબક્કામાં’ જ સારવાર શક્ય બની શકે છે. આ રોગના કરાણે બોન મેરોમાં અનેક અસામાન્ય રક્ત કોષ ઉત્પન્ન થાય છે. બ્રિટનમાં દર વર્ષે 3,000 જેટલા લોકોમાં તેનું નિદાન થાય છે અને તે 75 વર્ષથી વધુ ઉંમરના વયસ્ક ઉંમરના લોકોમાં સૌથી સામાન્ય રીતે જોવા મળે છે. ઉંમર સાથે આ બીમારી વિકસવાનું જોખમ વધે છે.
એકવાર સારવાર પૂર્ણ થયા પછી, તેનો ફરીથી ઉથલો મારવાના કોઈપણ લક્ષણો જાણી શકાય તે માટે દર્દીઓ સામાન્ય રીતે દર થોડા મહિને બ્લડ ટેસ્ટ કરાવતા હોય છે. આ નવો ટેસ્ટ ફક્ત દસ મિનિટમાં થાય છે અને તેને સ્થાનિક એનેસ્થેટિક સાથે કરવામાં આવે છે. દર્દીના કમરના નીચેના ભાગના હાડકામાં સોયથી બોન મેરોનો સેમ્પલ લેવામાં આવે છે. ગાય્ઝ એન્ડ સેન્ટ થોમસ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના માનદ્ સલાહકાર અને મુખ્ય સંશોધક પ્રોફેસર નિગેલ રસેલે જણાવ્યું હતું કે, ‘આ પદ્ધતિથી લગભગ એક તૃતીયાંશ દર્દીઓને ખરેખર ફાયદો થયો હતો, આ ટેસ્ટથી તેમના બચવાનો દર બમણો થયો હતો, જે આવા દર્દીઓ માટે પરિણામમાં મોટા સુધારારૂપ હતું.
આ સંશોધનના તારણો ધ લેન્સેટ હેમેટોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતો. આ સંશોધન માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર રીસર્ચ, બ્લડ કેન્સર યુકે અને કેન્સર રીસર્ચ યુકે દ્વારા ભંડોળ આપવામાં આવ્યું હતું. આ સંશોધનમાં 637 લોકોની તપાસ કરવામાં આવી હતી, જે એક્યુટ માયલોઇડ લ્યુકેમિયા (AML) ધરાવતા યુવાનોમાં સામાન્ય રીતે જોવા મળે છે. આ તમામ લોકો AMLથી મુક્ત હતા અને દર ત્રણ મહિને તેમની તપાસ કરવામાં આવતી હતી.
બ્લડ કેન્સર યુકેના લૌરા ચોલિનોરે જણાવ્યું હતું કે, ‘બ્લડ કેન્સરની વહેલાસર જાણ થવાના કારણે ડોકટરોને વહેલી સારવાર શરૂ કરવાની તક મળી શકે છે. આ તપાસમાં દર ત્રણ મહિને બોન મેરોના ટેસ્ટનો સમાવેશ થાય છે, તેથી આપણે યુકેમાં બ્લડ કેન્સર ધરાવતા 280,000 લોકો માટે સંશોધન જાળવી રાખવું જોઈએ.’
