(istockphoto)

જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ મંદિરમાં અજાણ્યા શખસોએ રવિવાર, 5 ઓક્ટોબરની વહેલી સવારે કથિત રીતે તોડફોડ કરીને ભગવાન ગોરખનાથની મૂર્તિ જંગલમાં ફેંકી દીધી હતી. આ ઘટનાથી ભાવિ ભક્તોમાં રોષ ભભુક્યો ઉઠ્યો હતો અને પ્રતિમાની તોડફોડ કરનાર સામે કડક કાર્યવાહીની માગણી કરાઈ હતી.

મંદિરના શેરનાથ બાપુએ જણાવ્યું કે, ગિરનાર પર 5500 પગથિયા ઉપર ગિરનાર ગોરખનાથનું મંદિર આવેલું છે. રવિવારે (5 ઓક્ટોબર) વહેલી સવારે 3 થી 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જેમાં મૂર્તિ તોડનાર અસામાજિક તત્ત્વોએ સૌથી પહેલાં પૂજારીના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો, પરંતુ, જ્યારે ઘોંઘાટ થયો તો અંદર સૂતેલા પૂજારીઓએ બારીમાંથી જોયું તો 4-5 માણસો તેમણે ભાગતા જોયાં હતાં. આ અજાણ્યા શખસોએ ગોરખનાથજીની મૂર્તિને ખંડિત કરીને જંગલમાં નીચે ફેંકી દીધી હતી.

ગોરખનાથ એક આદરણીય હિન્દુ યોગી અને નાથ સંપ્રદાયના સ્થાપક છે. ૧,૧૧૭ મીટર ઊંચા શિખર પર સ્થિત મંદિરમાં થયેલી તોડફોડથી ભક્તોમાં રોષ ફેલાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરસપહાણની મૂર્તિનું માથું તૂટી ગયું હતું, જ્યારે મંદિરના કાચના દરવાજા તેમજ અન્ય વસ્તુઓને નુકસાન થયું હતું.

રેવતક પર્વત તરીકે પણ ઓળખાતા પર્વત પર જૈન અને હિન્દુ મંદિરો આવેલા છે અને યાત્રાળુઓએ શિખર પર જવા માટે 10,000 પથ્થરના પગથિયાં ચઢવા પડે છે.જૈન મંદિરો ઉપરના માર્ગના લગભગ બે તૃતીયાંશ ભાગમાં છે, જેમાં સૌથી મોટું અને સૌથી જૂનું ૧૨મી સદીનું નેમિનાથ મંદિર છે, જે ૨૨મા તીર્થંકરને સમર્પિત છે.

LEAVE A REPLY