
એર ઇન્ડિયા અને એરબસે હરિયાણામાં A320 અને A350 એરક્રાફ્ટ માટે પાઇલટ્સને તાલીમ આપવા માટે સંયુક્ત સાહસમાં ટ્રેનિંગ ફેસિલિટીની સ્થાપના કરી છે. આ માટેના સિમ્યુલેટર માટે રૂ.1,000 કરોડથી વધુના રોકાણની યોજના છે. એર ઇન્ડિયા એવિએશન ટ્રેનિંગ એકેડેમી ખાતેનું આ એડવાન્સ્ડ પાયલટ ટ્રેનિંગ સેન્ટર આગામી દાયકામાં 5,000થી વધુ નવા પાયલટ્સને તાલીમ આપશે.
એરલાઇને મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૧૨,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલા આ સેન્ટરમાં ૧૦ ફુલ-ફ્લાઇટ સિમ્યુલેટર, અદ્યતન વર્ગખંડો અને બ્રીફિંગ રૂમ હશે. આ સેન્ટરનું મંગળવારે નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુએ ઉદ્ઘાટન કર્યું હતું. હાલમાં એર ઇન્ડિયાની ટ્રેનિગ એકેડમીમાં A320 ફેમિલી એરક્રાફ્ટ માટે બે ફુલ-ફ્લાઇટ સિમ્યુલેટર છે. બાકીના છ A320 સિમ્યુલેટર અને બે A350 સિમ્યુલેટર ક્રમશઃ ઇન્સ્ટોલ કરાશે.
નાયડુએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સિમ્યુલેટર 1,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે સ્થાપિત કરાશે. એરબસ ઇન્ડિયા અને દક્ષિણ એશિયાના પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર જુર્ગેન વેસ્ટરમીયરએ જણાવ્યું હતું કે તે ફક્ત એક સંયુક્ત સાહસ નથી. તે ભારતીય એરોસ્પેસ ઉદ્યોગના ભવિષ્યમાં એક વ્યૂહાત્મક રોકાણ છે. ભારત એરબસ માટે એક વ્યૂહાત્મક પાવરહાઉસ છે અને આ અત્યાધુનિક સુવિધા તેની અપાર સંભાવનામાં અમારી માન્યતાનો પુરાવો છે.
એર ઇન્ડિયાના સીઈઓ, કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે આ સેન્ટર એરલાઇનની પરિવર્તન યાત્રામાં તથા એરલાઇન અને ભારતીય ઉડ્ડયન ઉદ્યોગને વધુ આત્મનિર્ભર બનાવવા તરફનું એક મોટું પગલું છે.
