ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુએ મંગળવાર, 7 ઓક્ટોબરે જણાવ્યું હતું કે 12 જૂનની અમદાવાદ પ્લેન ક્રેશની તપાસમાં કોઈ ચેડાં કે ગંદા કામ થઈ રહ્યાં નથી. નિયમો મુજબ તપાસ ખૂબ પારદર્શક અને વિગતવાર રીતે કરવામાં આવી રહી છે. કેટલાક લોકો આ જીવલેણ દુર્ઘટનામાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ની તપાસ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યાં ત્યારે પ્રધાને આ નિવેદન આપ્યું હતું.
દુર્ઘટનાની તપાસના અંતિમ અહેવાલમાં વિલંબ અંગે નાયડુએ કહ્યું હતું કે ખરેખર શું થયું તે જાણવા માટે દરેકે AAIBના અંતિમ તપાસ અહેવાલની રાહ જોવી પડશે. ક્રેશ અંગે AAIBને અંતિમ રિપોર્ટ આવવામાં થોડો સમય લાગશે અને અમે તેમના પર કોઈ ઇતિહાસ અહેવાલ લાવવા માટે દબાણ કરવા માંગતા નથી.
12 જૂને અમદાવાદથી ટેકઓફ કર્યા પછી તરત જ એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન ગેટવિક જતું વિમાન ક્રેશ થતાં 241 મુસાફરો સહિત કુલ 260ના મોત થયા હતાં. AAIBએ 12 જુલાઈએ જારી કરેલા પ્રારંભિક અહેવાલમાં કહ્યું હતું કે વિમાનના બંને એન્જિનને ફ્યુઅલ સપ્લાય બંધ થઈ ગયો હતો.
22 સપ્ટેમ્બરે ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ (FIP)એ સરકારને એર ઇન્ડિયા ડ્રીમલાઇનર ક્રેશની ન્યાયિક તપાસની માગણી કરીને આક્ષેપ કર્યો હતો કે હાલની તપાસમાં સમાધાન થઈ રહ્યું છે અને તેને અટકાવવી જોઇએ. 29 ઓગસ્ટે કેપ્ટન સુમિત સભરવાલના પિતા પુષ્કરાજ સભરવાલે જણાવ્યું હતું કે અકસ્માત કેટલીક માહિતી લીક થઈ રહી છે તેનાથી એવી અટકળો થઈ રહી છે કે સુમિત ભારે માનસિક દબાણ હેઠળ હતો અને તેથી તે આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો.
