ધ ટાઇમ્સ હાયર એજ્યુકેશન (THE) વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2026 તાજેતરમાં જાહેર થયા હતા. આ રેન્કિંગ્સમાં વિશ્વની અગ્રણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોને પ્રથમ દસમાં સ્થાન આપવામાં આવ્યું હતું, જેમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ સતત દસમા વર્ષે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ઓક્સફર્ડમાં વિદ્યાર્થીઓને સંશોધન માટે વ્યાપક અને અસામાન્ય વાતાવરણ-સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બદલ તેને અગ્ર સ્થાન મળી રહ્યું છે. આ રેન્કિંગના કારણે વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, સરકાર અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને વિશ્વાસપાત્ર સંદર્ભ-સ્ત્રોત ઉપલબ્ધ થશે. આ વર્ષની રેન્કિંગની યાદી માટે 115 દેશોમાંથી 2191 યુનિવર્સિટીને ધ્યાનમાં લેવામાં આવી હતી. આ યાદીમાં સૌથી વધુ અમેરિકન યુનિવર્સિટી અને ત્યારપછી બીજા ક્રમે ભારતની યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. પ્રથમ દસ યુનવર્સિટીમાં યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ, મેસ્સેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT), પ્રિન્સટન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ, હાર્વર્ડ યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇમ્પિરિયલ કોલેજ લંડન, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલી અને યેલ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. આ રેન્કિંગમાં બેંગ્લુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) ભારતની ટોચની યુનિવર્સિટી તરીકે સ્થાન પામી છે, જેણે 201-250 રેન્ક બેન્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
