મેટ્રોપોલિટન પોલીસની વિગતવાર તપાસ બાદ લંડનની સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટે ભારતીય મૂળના બે ભાઈઓ વ્રજ પટેલ અને કિશન પટેલને ગંભીર બાળ જાતીય ગુનાઓ માટે સજા ફટકારી છે.
26 વર્ષીય વ્રજ પટેલને 13 વર્ષથી ઓછી ઉંમરના બાળક પર બળાત્કાર, ઘૂસણખોરી કરી હુમલો કરવો, બાળકને જાતીય પ્રવૃત્તિમાં સામેલ કરવા અને 16 વર્ષથી વધુ ઉંમરની મહિલા પર બળાત્કાર સહિતના અનેક આરોપોમાં દોષિત ઠેરવ્યા બાદ 22 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેને બાળકોની અભદ્ર છબીઓ રાખવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેનું નામ યુકેના સેક્સ ઓફેન્ડરના રજિસ્ટર પર આજીવન મૂકવા હુકમ કરાયો હતો.
તેના ભાઈ, કિશન પટેલને, બાળકોના અભદ્ર ફોટો બનાવવા અને રાખવા બદલ 15 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી અને 10 વર્ષનો સેક્સ્યુઅલ પ્રિવેન્શન હાર્મ ઓર્ડર અપાયો હતો.
ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે રિપેર માટે મોકલવામાં આવેલા ગેઝેટ પર બાળ જાતીય શોષણના વીડિયો શોધી કાઢ્યા બાદ તપાસ શરૂ થઈ હતી. એક યુવાન છોકરી સાથે દુર્વ્યવહાર કરતો ફૂટેજ જોઈને ડિટેક્ટીવ્સે વ્રજને ગુનેગાર તરીકે ઓળખી કાઢ્યો હતો જે તે ભાઇઓને ઓળખતી હતી.
