(PTI Photo/Shahbaz Khan)

નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં ભારતે મંગળવાર, 14 ઓક્ટોબરે સાત વિકેટે વિજય મેળવી બે ટેસ્ટ મેચની સિરિઝ 2-0થી જીતી લીધી હતી. અમદાવાદ ખાતેની રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પણ ભારતનો શાનદાર વિજય થયો હતો.

બીજી ટેસ્ટના પાંચમા દિવસે ભારતે કેપ્ટન શુભમન ગિલના રૂપમાં પોતાની ત્રીજી વિકેટ ગુમાવી હતી. બાઉન્ડ્રી લગાવી રહેલા ગિલને રોસ્ટન ચેઝને 13 રને આઉટ કર્યો હતો. ભારતને વિજય માટે 121 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ચોથા દિવસની રમતને અંતે ભારતે એક વિકેટ ગુમાવીને 63 રન કર્યાં હતાં. યશસ્વી જયસ્વાલ રન ચેઝમાં વહેલા આઉટ થયા બાદ રાહુલ અને સાઈ સુદર્શને 54 રનની ભાગીદારી નોંધાવી હતી.

ફોલો-ઓન થયા પછી વેસ્ટ ઇન્ડિઝ જોરદાર વળતી લડત આપીને 390 રન બનાવ્યાં હતાં અને ભારતને વિજય માટે 121નો ટાર્ગેટ આપ્યો હતો.

ભારતે પ્રથમ દાવમાં 518/5 (ડિકલેર)નો મોટો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ ઈનિંગમાં માત્ર 248 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. 270 રનની લીડ  સાથે ભારતીય કેપ્ટન શુભમન ગીલે વેસ્ટ ઈન્ડિઝને ફોલો-ઓન આપવાનો નિર્ણય કર્યો હતો.

બીજી ઈનિંગ્સમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ ગજબ પરફોર્મન્સ કર્યો હતો. ઓપનર જૉન કૅમ્પબેલ (115 રન) અને શાઈ હોપ (103 રન)ની શાનદાર સદીને કારણે વેસ્ટ ઈન્ડિઝ મેચને પાંચમાં દિવસ સુધી ખેંચી શક્યું હતું. આ ઉપરાંત, છેલ્લી વિકેટ માટે જસ્ટિન ગ્રિવ્સ અને જેડેન સીલ્સ વચ્ચેની 79 રનની ભાગીદારીએ ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડીને ભારત પર 120 રનની નજીવી લીડ મેળવી આપી હતી.

ચોથા દિવસની રમતમાં ભારતીય બોલરોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.  સ્પિનર કુલદીપ યાદવએ તેના સ્પિનની જાળમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોને ફસાવીને ટીમને બ્રેકથ્રુ અપાવ્યા હતા. જોકે, વેસ્ટ ઈન્ડિઝની નીચલી ક્રમાંકની જોડીએ ભારતીય બોલરોને થકવી દીધા હતા. આખરે, જસપ્રિત બુમરાહએ અંતિમ વિકેટ ઝડપીને વેસ્ટ ઈન્ડિઝનો બીજો દાવ 390 રનમાં સમેટી લીધો હતો.

LEAVE A REPLY