REUTERS/Baz Ratner/File Photo

કેન્યાના ભૂતપૂર્વ વડાપ્રધાન રૈલા ઓડિંગાનું કેરળમાં બુધવાર, 15 ઓક્ટોબરે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. તેઓ 80 વર્ષના હતાં. તેઓ આયુર્વેદિક સારવાર માટે કેરળના એર્નાકુલમ જિલ્લાના કૂથટ્ટુકુલમમાં આવ્યા હતાં, એમ પોલીસ અને હોસ્પિટલ સત્તાવાળાઓએ જણાવ્યું હતું.

આયુર્વેદિક આંખ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઓડિંગા આયુર્વેદિક સેન્ટરના પરિસરમાં મોર્નિંગ વોક દરમિયાન પડી ગયા હતા અને તેમને તાત્કાલિક કૂથટ્ટુકુલમની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં, જ્યાં તેમને સવારે 9.52 વાગ્યાની આસપાસ મૃત જાહેર કરાયા હતાં. ઓડિંગા અને તેમનો પરિવાર ઘણીવાર હોસ્પિટલમાં સારવાર લઈ ચુક્યા છે. અગાઉ તેમની પુત્રીને તેની દ્રષ્ટિ પાછી મેળવવામાં મદદ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિંગાના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમને એક મહાન રાજનેતા અને ભારતના પ્રિય મિત્ર તરીકે બિરદાવ્યાં હતાં. મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે મારા પ્રિય મિત્ર અને કેન્યાના ભૂતપૂર્વ વડાપ્રધાન રૈલા ઓડિંગાના નિધનથી ખૂબ દુઃખ થયું. તેઓ એક મહાન રાજનેતા અને ભારતના પ્રિય મિત્ર હતાં. ઓડિંગાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સમયથી નજીકથી જાણવાનો લહાવો મળ્યો છે અને તેમનો સહયોગ વર્ષોથી ચાલુ રહ્યો હતો. તેમને ભારત, આપણી સંસ્કૃતિ, મૂલ્યો અને પ્રાચીન જ્ઞાન પ્રત્યે ખાસ પ્રેમ હતો. ભારત-કેન્યા સંબંધોને મજબૂત બનાવવાના તેમના પ્રયાસો મહત્ત્વના હતાં. તેઓ ખાસ કરીને ભારતની આયુર્વેદ અને પરંપરાગત દવા પ્રણાલીઓના પ્રશંસક હતાં, જેમણે તેમની પુત્રીના સ્વાસ્થ્ય પર તેમની સકારાત્મક અસર જોઈ હતી. આ દુઃખની ઘડીમાં હું તેમના પરિવાર, મિત્રો અને કેન્યાના લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.

ઓડિંગા દાયકાઓ સુધી કેન્યાના રાજકારણના કેન્દ્રમાં રહ્યાં હતાં.ઓડિંગાની હરીફો સાથે કામ કરવાની ક્ષમતાને કારણે તેમને લુઓ ભાષામાં “અગ્વામ્બો” (“રહસ્યમય”) ઉપનામ મળ્યું હતું. પીઢ વિપક્ષી નેતા ઓડિંગાને એક-પક્ષીય સરમુખત્યારશાહી સામે લડતી વખતે ઘણી વખત જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને તેઓ પ્રેસિડન્ટની ચૂંટણીમાં પાંચ વખત અસફળ રહ્યાં હતાં.સમર્થકો તેમને “બાબા” કહેતા હતાં, તેમના પર રાજકીય લાભ માટે વંશીય વિભાજનનો કરવાનો અથવા વ્યક્તિગત સત્તા ખાતર વિરોધીઓ સાથે સોદા કરવાનો આરોપ પણ મુકાયા હતાં. તેમના અવસાનના સમાચાર મળતાં નૈરોબીની કિબેરા ઝૂંપડપટ્ટીના સેંકડો સમર્થકો એકઠા થયા હતા. ઘણા રડતા અને ખરાબ શુકનોથી બચવા માટે ડાળીઓ લહેરાવતા હતાં. કુસુમુ શહેર અને રિફ્ટ વેલી શહેર એલ્ડોરેટમાં પણ ભીડ એકઠી થઈ હતી જ્યાં ઓડિંગા લોકપ્રિય હતાં.

વર્ષોથી લોકશાહી માટે લડત ચલાવીને તેમણે કેન્યાના બે સૌથી મહત્વપૂર્ણ સુધારાઓ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમાં 1991માં બહુપક્ષીય લોકશાહી અને 2010માં નવા બંધારણનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY