વિદેશ
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકામાં ભારતીય મૂળના પ્રખ્યાત વિદેશ નીતિ વિદ્વાન અને સંરક્ષણ વ્યૂહરચનાકાર એશ્લે જે ટેલિસની ગેરકાયદેસર રીતે ગુપ્ત રાષ્ટ્રીય સંરક્ષણ માહિતી ગેરકાયદે જાળવી રાખવાના આરોપ હેઠળ ધરપકડ કરાઈ હતી, એમ વર્જિનિયા ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ માટેની યુએસ એટર્ની ઓફિસે જણાવ્યું હતું.

વોશિંગ્ટનની વિદેશ નીતિ સ્થાપનામાં એક આદરણીય અવાજ ગણાતા ટેલિસ હાલમાં કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસમાં સિનિયર ફેલો છે. તેઓ આંતરરાષ્ટ્રીય સુરક્ષા, સંરક્ષણ અને એશિયન વ્યૂહાત્મક મુદ્દાઓમાં નિષ્ણાત છે. વિયેના, VAના 64 વર્ષીય ટેલિસની સપ્તાહના અંતે વિયેના, વર્જિનિયામાં ધરપકડ કરાઇ હતી અને રાષ્ટ્રીય સંરક્ષણ માહિતી ગેરકાયદેસર રીતે રાખવાનો આરોપ મૂકાયો હતો. સુરક્ષિત સ્થળોએથી ગુપ્ત દસ્તાવેજો દૂર કરવા અને ચીની અધિકારીઓ સાથે મુલાકાતના આરોપોની પણ તપાસ ચાલુ છે.

યુએસ એટર્ની લિન્ડસે હેલિગને જણાવ્યું હતું કે આ આરોપો આપણા નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ગંભીર જોખમ રજૂ કરે છે. અમારી ઓફિસ અમેરિકન લોકોને વિદેશી અને સ્થાનિક તમામ જોખમોથી બચાવવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે.

જો દોષિત ઠેરવવામાં આવશે તો ટેલિસને 10 વર્ષ સુધીની જેલ, 250,000 ડોલર સુધીનો દંડ, 100 ડોલરનો ખાસ આકારણી અને જપ્તીનો સામનો કરવો પડી શકે છે.

મુંબઈમાં જન્મેલા અને શિકાગો યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવનારા ટેલિસ એક પ્રખ્યાત લેખક તથા સંરક્ષણ અને એશિયા નીતિના સલાહકાર છે. જ્યોર્જ ડબલ્યુ બુશ વહીવટીતંત્ર દરમિયાન ભારત-અમેરિકા નાગરિક પરમાણુ કરારને આકાર આપવામાં તેમનું મહત્ત્વનું યોગદાન હતું. આ પછીથી ભારત અને અમેરિકાના સંબંધોમાં મોટું પરિવર્તન આવ્યું હતું.
તેમણે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં પ્રેસિડન્ટ જ્યોર્જ ડબલ્યુ. બુશના ખાસ સહાયક અને વ્યૂહાત્મક આયોજન અને દક્ષિણપશ્ચિમ એશિયાના વરિષ્ઠ નિયામક તરીકે પણ સેવા આપી હતી.

LEAVE A REPLY