જીવન નિર્વાહ માટે લોકોની તકલીફો વધી રહી છે ત્યારે દિવાળી બાસ્કેટ બ્રિગેડે હવે તેના આઠમા વર્ષે સૌથી મહત્વાકાંક્ષી ચેરિટી ડ્રાઇવ દ્વારા યુકેમાં જરૂરિયાતમંદ પરિવારોને 77,000થી વધુ ભોજન બરાબરના 5,500 ફૂડ હેમ્પર્સનું વિતરણ કર્યું છે. તેમની આ પહેલ હવે ચાર મુખ્ય શહેરો, બર્મિંગહામ, લંડન, માન્ચેસ્ટર અને લેસ્ટર સુધી વિસ્તરી છે. ભોજનની તકલીફ સહન કરતા લોકોને મદદ કરવા લોકો સાથે દિવાળીની ભાવના શેર કરવા માટે તમામ ધર્મો અને પૃષ્ઠભૂમિના સમુદાયો એકસાથે આવ્યા હતા.
2018માં સ્થાપાયેલા દિવાળી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત દિવાળી બાસ્કેટ બ્રિગેડ યુકેના સૌથી સંવેદનશીલ પરિવારોને 19,000થી વધુ હેમ્પર્સ પૂરા પાડ્યા છે અને 76,000થી વધુ લોકોને ભોજન પૂરું પાડ્યું છે.
આ વર્ષે બર્મિંગહામે 2,000 હેમ્પર્સ, લંડને 1,800 હેમ્પર્સ, માન્ચેસ્ટરે 1,100 હેમ્પર્સ અને લેસ્ટરે 600 હેમ્પર્સ પૂરા પાડ્યા હતા. દેશભરમાં 50થી વધુ ફૂડ બેંકો અને ચેરિટીઝ સાથે નજીકથી કામ કરતા દિવાળી બાસ્કેટ બ્રિગેડે આવશ્યક ખાદ્ય પદાર્થોથી ભરેલા હેમ્પર પૂરા પાડ્યા હતા. આ પહેલમાં તમામ ક્ષેત્રોના સેંકડો સ્વયંસેવકો કામે લાગ્યા હતા.
દિવાળી બાસ્કેટ બ્રિગેડના સ્થાપક દીપક પારેખે કહ્યું હતું કે “અમે દર વર્ષે વિકાસ કરીએ છીએ અને અમારો હેતુ એક જ છે – જ્યાં સૌથી વધુ જરૂર છે ત્યાં પ્રકાશ અને આશા લાવવાનો. દરેક હેમ્પર ખોરાક કરતાં વધુ છે. તે છે કાળજીનો સંદેશ, જે દિવાળીના હૃદયમાં રહેલો છે કે કોઈ ભૂખ્યું રહેવું ન જોઈએ.”
વધુ માહિતી માટે: www.diwalibasketbrigade.org
