ઇન્ડિયન-અમેરિકન લેખક અને સુરક્ષા નિષ્ણાત પોલ કપૂરે 23 ઓક્ટોબરે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ ખાતે દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોના બ્યુરોના નવા આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે સત્તાવાર રીતે શપથ લીધા હતાં.
આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકેકપૂર ભારત, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, માલદીવ, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં અમેરિકાના રાજદ્વારી જોડાણ અને વ્યૂહાત્મક ભાગીદારીનો હવાલો સંભાળશે.
તેમણે ડોનાલ્ડ લુનું સ્થાન લીધું છે. લૂ 2021થી આ પદ પર સેવા આપી રહ્યાં હતાં.
કપૂરનો જન્મ નવી દિલ્હીમાં ભારતીય પિતા અને અમેરિકન માતાને ત્યાં થયો હતો. તેમણે યુએસ નેવલ પોસ્ટગ્રેજ્યુએટ સ્કૂલમાં રાષ્ટ્રીય સુરક્ષા બાબતોના વિભાગમાં પ્રોફેસર તરીકે સેવા આપી હતી. તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની હૂવર ઇન્સ્ટિટ્યૂશનમાં વિઝિટિંગ ફેલો છે.
૨૦૨૦-૨૦૨૧ સુધી, કપૂરે સ્ટેટ ડિપાર્ટમેન્ટના પોલિસી પ્લાનિંગ સ્ટાફમાં સેવા આપી હતી. આ હોદ્દા પર તેમણે દક્ષિણ અને મધ્ય એશિયા, ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના અને યુએસ-ભારત સંબંધો સંબંધિત મુદ્દાઓ પર કામગીરી કરી હતી.
તેમણે દક્ષિણ એશિયા અને ઈન્ડો-પેસિફિકમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા, પરમાણુ શસ્ત્રોના પ્રસાર, નિવારણ અને ઈસ્લામિક આતંકવાદ પર અનેક પુસ્તકો લખ્યા છે.કપૂરે તેમના પુસ્તક ‘જેહાદ એઝ ગ્રાન્ડ સ્ટ્રેટેજી: ઇસ્લામિક મિલિટન્સી, નેશનલ સિક્યુરિટી, એન્ડ ધ પાકિસ્તાની સ્ટેટ’માં દલીલ કરી હતી કે પાકિસ્તાન દ્વારા જેહાદનો ઉપયોગ દેશની અસ્થિરતાનું પરિણામ નથી, પરંતુ તે એક ઇરાદાપૂર્વકની સરકારી રણનીતિ હતી.











