REUTERS/Chalinee Thirasupa

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓને કારણે વૈશ્વિક અનિશ્ચિતતા તથા ચીન અને એશિયાના કેટલાંક દેશો વચ્ચે સીમા વિવાદ વચ્ચે રવિવાર, 26 ઓક્ટોબરથી મલેશિયાના કુઆલાલંપુર ખાતે આસિયાન 2025 સમિટનો પ્રારંભ થયો હતો. એશિયાનો સૌથી યુવા રાષ્ટ્ર ઇસ્ટ તિમોર દક્ષિણપૂર્વ એશિયાઈ બ્લોક ASEANનો 11મો સભ્ય બન્યો હતો. ટ્રમ્પની હાજરી વચ્ચે થાઇલેન્ડના વડા પ્રધાન અનુતિન ચાર્નવિરાકુલ અને કંબોડિયાના વડા પ્રધાન હુન માનેટે બંને દેશો વચ્ચેની યુદ્ધવિરામ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતાં.

આસિયન અને સંબંધિત સમીટમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત ચીનના વડાપ્રધાન લી કિયાંગ અને જાપાનના નવા વડાપ્રધાન સના તાકાચી સહિતના એક ડઝનથી વધુ નેતાઓ હાજરી આપી રહ્યાં છે.
આ સમીટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂબરુમાં હાજરી આપી રહ્યાં નથી, પરંતુ આસિયાન નેતાઓ અને અન્ય સંવાદ ભાગીદારો દેશો સાથે વર્ચ્યુઅલી સામેલ થશે. વડાપ્રધાનનીજગ્યાએ વિદેશ પ્રધાન એસ. જયશંકર આ મહત્વપૂર્ણ સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.

એસોસિએશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (આસિયન) સભ્ય દેશોમાં બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે. આ તમામ દેશો સાથે ભારત મજબૂત સંબંધો ધરાવે છે. ભારત 1995માં સંવાદ ભાગીદાર દેશ બન્યો હતો અને તે પછી ભારતે આ સંગઠન સાથેના સંબંધો મજબૂત બનાવ્યા છે. 2022માં સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડ્યા છે. આ ભાગીદારી વેપાર, દરિયાઈ સુરક્ષા, ડિજિટલ અર્થતંત્ર, પર્યટન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં સહયોગને મજબૂત બનાવે છે.

મલેશિયાની અધ્યક્ષતા યોજાઈ રહેલા આ સમીટ ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી અને તેના ઇન્ડો-પેસિફિક વિઝનને મજબૂત બનાવવા માટેનું એક મહત્ત્વ પ્લેટફોર્મ છે. ભારત આસિયન દેશોની એકતાને સમર્થન આપે છે તથા તેને પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને આર્થિક સંકલનમાં મહત્વપૂર્ણ માને છે.

પ્રધાનમંત્રી મોદી 2014થી આસિયાન સમિટમાં હાજરી આપતા રહ્યાં છે, પરંતુ આ વખતે વર્ચ્યુઅલી જોડાશે. પીએમ મોદીની જગ્યાએ જયશંકર ઉચ્ચ સ્તરીય બેઠકોમાં રૂબરુ હાજરી આપશે. બ્રાઝિલના પ્રેસિડન્ટ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા અને દક્ષિણ આફ્રિકાના પ્રેસિડન્ટ સિરિલ રામાફોસા પણ નવા ક્ષેત્રીય સંવાદ ભાગીદારો દેશો તરીકે ભાગ લેશે.
આસિયન સમીટમાં ટ્રમ્પની હાજરીને કારણે અનિશ્ચિતતામાં વધારો થશે. આ સમીટમાં પ્રાદેશિક સુરક્ષા, આર્થિક સહકાર અને દરિયાઈ વિવાદો પર ચર્ચાવિચારણા થવાની ધારણા છે, પરંતુ અમેરિકાની ટેરિફ અને વૈશ્વિક વેપાર પેટર્નમાં ફેરફાર મુખ્ય મુદ્દા બની રહેવાની ધારણા છે. આસિયન સમીટની સાથે પ્રાદેશિક સર્વગ્રાહી આર્થિક ભાગીદાર દેશોની પણ સમીટ યોજાશે, જેમાં આશિયન દેશો ઉપરાંત ચીન, જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિય અને ન્યૂઝીલેન્ડ પણ સભ્ય દેશો છે. 2020 પછી પ્રથમ વખત આ સમીટ યોજાઈ રહી છે.

 

LEAVE A REPLY