અમેરિકાની દિગ્ગજ ઇન્વેસ્ટમેન્ટ કંપની બ્લેકરોક અને અન્ય ધિરાણકર્તાઓ ભારતીય મૂળના સીઈઓ બંકિમ બ્રહ્મભટ્ટ સામે આશરે 500 મિલિયન ડોલરની લોન કૌભાંડનો આરોપ મૂક્યો છે, એમ વોલસ્ટ્રીટ જર્નલે તેના અહેવાલમાં જણાવ્યું હતું.બંકિમ બ્રહ્મભટ્ટ ટેલિકોમ કંપનીઓ બ્રોડબેન્ડ ટેલિકોમ અને બ્રિજવોઇસના સીઈઓ છે. જોકે બંકિમ બ્રહ્મભટે આરોપો નકારી કાઢ્યા હતાં.
બંકિમ બ્રહ્મભટ્ટ પર ખોટા કોલેટરલ દ્વારા લોન મેળવવા તથા નકલી ઇન્વોઇસ અને ગ્રાહકો બનાવવાનો આરોપ છે. ઓગસ્ટમાં દાખલ કરાયેલા મુકદ્દમામાં, બ્લેકરોકની પ્રાઇવેટ ક્રેડિટ શાખા અને અન્ય ફાઇનાન્સરોએ જણાવ્યું હતું કે તેઓ $500 મિલિયનથી વધુનું ફાઇનાન્સ આપ્યું હતું. બ્રહ્મભટ્ટે તેમના વકીલના જણાવ્યા અનુસાર આરોપોને નકારી કાઢ્યા છે.
મીડિયા અહેવાલ મુજબ બ્રહ્મભટ્ટે નકલી ગ્રાહકો અને ઈનવોઈસ મારફત લોન મેળવીને તેના નાણાં ભારત અને મોલેશિયસમાં ટ્રાન્સફર કરી દીધા હતા. બ્રહ્મભટ્ટને અપાયેલી લોનમાં ફ્રાન્સની બેન્ક બીએનપી પારિબાસે પણ લગભગ અડધો હિસ્સો ફાઈનાન્સ કર્યો હતો. એચપીએસે બંકીમ બ્રહ્મભટ્ટને સપ્ટેમ્બર ૨૦૨૦થી ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં કુલ ૪૩૦ મિલિયન ડોલરની લોન આપી હતી. જુલાઈ ૨૦૨૫માં એચપીએસના એક કર્મચારીને કેટલાક શંકાસ્પદ આઈડી મળ્યા પછી આ કૌભાંડ બહાર આવ્યું હતું. બ્લેકરોક અને અન્ય બેન્કોએ ઓગસ્ટ ૨૦૨૫માં બ્રહ્મભટ્ટ સામે કેસ નોંધાવી તેની કંપનીઓ પર ૫૦૦ મિલિયન ડોલરથી વધુના લેણાં બાકી હોવાનો દાવો કર્યો હતો.
જોકે 50 વર્ષીય બ્રહ્મભટ્ટે પોતાને દેવાળિયા જાહેર કરી દીધાં અને તેમની કંપનીઓએ ચેપ્ટર 11 હેઠળ પુનર્ગઠનની પ્રક્રિયા શરૂ કરી હતી. હાલમાં તેમનું ઠેકાણું સ્પષ્ટ નથી, જોકે બ્લેકરોકની ટીમ માને છે કે તેઓ ભારત ભાગી ગયા છે.














