મહિલા વર્લ્ડ કપ 2025માં ભારતીય ટીમે ચેમ્પિયન બની ઈતિહાસ સર્જયો છે. ટુર્નામેન્ટમાં આ વર્ષે આઈસીસી દ્વારા ચેમ્પિયન ટીમને રૂ. 39.55 કરોડનું ઈનામ અપાયું હતું, જે 2022ના વર્લ્ડકપ કરતાં ચાર ગણી વધારે રકમ છે. 2022ના મહિલા વન-ડે વર્લ્ડ કપમાં વિજેતા ટીમને રૂ. 11.65 કરોડ મળ્યા હતા. 2025 વર્લ્ડ કપ પહેલા મહિલા ટીમો માટે ઈનામની રકમમાં ધરખમ વધારો કરાયો હતો.
વાસ્તવમાં તો, 2023ના પુરૂષોના વન-ડે વર્લ્ડ કપમાં પણ આના કરતાં ઓછું, રૂ. 33.31 કરોડનુ ઈનામ અપાયું હતું. મહિલા વર્લ્ડ કપના અન્ય વિજેતાઓની ઈનામી રકમ આ મુજબની હતીઃ
રનર્સ અપ: રૂ. 19.77 કરોડ
સેમિફાઈનલમાં પરાજિત ટીમો: રૂ. 9.89 કરોડ (દરેકને)
ગ્રુપ સ્ટેજમાં વિજેતા ટીમો: રૂ. 30.29 લાખ (દરેકને)
5મા અને છઠ્ઠા સ્થાનને: રૂ. 62 લાખ (દરેકને)
7મા અને આઠમા સ્થાનને: રૂ. 24.71 લાખ (દરેકને)
ભાગ લેનારી દરેક ટીમને: રૂ. 22 લાખ
આ ઉપરાંત, ભારતીય ક્રિકેટ બોર્ડે તો મહિલા ક્રિકેટરોને વિશેષ પ્રોત્સાહન માટે આઈસીસીના સત્તાવાર ઈનામ કરતાં ય વધુ રકમની જાહેરાત કરી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ દેવજીત સૈકિયાએ ભારતીય ટીમ, કોચ અને સપોર્ટ સ્ટાફ માટે 51 કરોડ રૂપિયા ઇનામની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે BCCIએ મહિલા ટીમની ઇનામી રકમમાં 300 ટકાનો વધારો કર્યો હતો. આ 51 કરોડ રૂપિયાનું ઇનામ સમગ્ર ટીમ – ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે વહેંચાશે.














