કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડીએ) મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની આશરે રૂ.3,084 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી. ટાંચમાં લેવાયેલી સંપત્તિ મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલમાં પરિવારનો એક બંગલો, દિલ્હીમાં રિલાયન્સ સેન્ટર અને ઓછામાં ઓછા આઠ શહેરોમાં મિલકતોનો સમાવેશ થાય છે.
૩૧ ઓક્ટોબરના રોજ જારી કરાયેલા આદેશો બાદ, આશરે ૩,૦૮૪ કરોડ રૂપિયાની સંપત્તિઓને મની લોન્ડરિંગ નિવારણ કાયદા હેઠળ કામચલાઉ રીતે જપ્ત કરાઈ હતી. આ આદેશ પછી જપ્ત કરાયેલી રિયલ એસ્ટેટ સંપત્તિઓ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, મુંબઈ, પુણે, થાણે, હૈદરાબાદ, ચેન્નાઈ અને આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરીમાં ફેલાયેલી છે. તેમાં રહેણાંક એકમો, ઓફિસ પરિસર અને જમીનના ટુકડાઓનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય એજન્સીના જણાવ્યા અનુસાર, રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (RCFL) દ્વારા એકત્ર કરાયેલા જાહેર ભંડોળના ડાયવર્ઝન અને મની લોન્ડરિંગની ચાલી રહેલી તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરાઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો દાવો છે કે 2017 થી 2019ની વચ્ચે યસ બેંકે વિવિધ સાધનો દ્વારા RHFLમાં રૂ. 2,965 કરોડ અને RCFLમાં રૂ. 2,045 કરોડનું રોકાણ કર્યું હતું. ડિસેમ્બર 2019 સુધીમાં આ રોકાણો બિનકાર્યક્ષમ થઈ ગયા હતાં.

            












