ગુજરાતમાં કમોસમી વરસાદના લીધે 42 લાખ હેક્ટર પાકને નુકસાન થયું છે ત્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ 6 નવેમ્બરથી ખેડૂતોના દેવા માફીની માગણી સાથે સોમવનાથ ખેડૂત આક્રોશ યાત્રા કાઢશે. આમ આદમી પાર્ટી પણ અગાઉથી ખેડૂતોના મુદ્દા ઉઠાવી રહી છે. તરફ આમ આદમી પાર્ટી સક્રિય બની છે, તો બીજી તરફ કોંગ્રેસે પણ ખેડૂતોના મુદ્દે ‘ખેડૂત આક્રોશ યાત્રા’નું આયોજન કર્યું છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાની આગેવાની હેઠળ આ યાત્રા શરૂ થશે. યાત્રાની શરૂઆત સોમનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ થશે.
આ ‘ખેડૂત આક્રોશ યાત્રા’ સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓને આવરી લેશે. ગીર સોમનાથથી શરૂ થઈ આ યાત્રા જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને પોરબંદર થઈને 13 નવેમ્બરના રોજ દ્વારકામાં સમાપન થશે. યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓ ખેડૂતોની વેદના અને સમસ્યાઓ જાણવા માટે સીધા તેમના ખેતર સુધી જશે અને તેમની સાથે સંવાદ કરશે.
યાત્રામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, ભૂતપૂર્વ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ, તેમજ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના વરિષ્ઠ આગેવાનો હાજર રહેશે.














