પ્રતિકાત્મક તસવીર (istockphoto)

દક્ષિણ આફ્રિકામાં 22-23 નવેમ્બરે યોજાનારી જી-20 સમીટને કલંકરૂપ ગણાવીને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં શ્વેત લઘુમતી વંશિય સમુદાય સામે માનવાધિકારનું ઉલ્લંઘન ચાલુ રહેશે ત્યાં સુધી કોઇપણ અમેરિકન અધિકારી આ સમીટમાં હાજરી આપશે નહીં.

અગાઉ આ સપ્તાહની શરૂઆતમાં જ ટ્રમ્પે જાહેરાત કરી દીધી હતી કે તેઓ તેમાં હાજરી આપશે નહીં. તેમણે અગ્રણી અર્થતંત્રના ધરાવતા દેશોના આ ગ્રૂપમાં દક્ષિણ આફ્રિકાના સભ્યપદ સામે પણ સવાલ ઉઠાવ્યો હતો.

શુક્રવારે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે આ સંપૂર્ણ શરમજનક છે કે G20 દક્ષિણ આફ્રિકામાં યોજાશે. આફ્રિકનર્સ (ડચ વસાહતીઓના વંશજ તથા ફ્રેન્ચ અને જર્મન ઇમિગ્રન્ટ્સ પણ)ની હત્યાઓ થઈ રહી છે અને તેમની જમીન અને ખેતરો હડપ કરાઈ રહ્યાં છે. જ્યાં સુધી આ માનવાધિકાર ઉલ્લંઘન ચાલુ રહેશે ત્યાં સુધી કોઈ પણ યુએસ સરકારી અધિકારી હાજરી આપશે નહીં. હું ફ્લોરિડાના માયામીમાં 2026 G20નું આયોજન કરવા આતુર છું.

જાન્યુઆરીમાં બીજી ટર્મ માટે પ્રેસિડન્ટ બન્યાના થોડા સપ્તાહો પછી ટ્રમ્પે દક્ષિણ આફ્રિકામાં નાગરિકોના હકોના ઉલ્લંઘનને નિંદા કરીને જણાવ્યું હતું કે યુએસ દક્ષિણ આફ્રિકાને સહાય પૂરી પાડશે નહીં અને સરકાર દ્વારા પ્રાયોજિત જાતિ-આધારિત ભેદભાવથી બચી રહેલા આફ્રિકનેર શરણાર્થીઓના પુનર્વસનને પ્રોત્સાહન આપશે.

દક્ષિણ આફ્રિકાએ વંશીય લઘુમતી લોકોની કૃષિ પ્રોપર્ટી વળતર આપ્યા વગર જપ્ત કરવાની સરકારને સત્તા આપતો કાયદો ઘડ્યા પછી ટ્રમ્પ નારાજ છે.

દક્ષિણ આફ્રિકાએ 1 ડિસેમ્બર, 2024એ એક વર્ષ માટે G20નું પ્રમુખપદ સંભાળ્યું હતું અને 22 થી 23 નવેમ્બર દરમિયાન જોહાનિસબર્ગમાં સમિટ યજમાની કરશે. G20 સમિટ પ્રથમ વખત આફ્રિકન ભૂમિ પર યોજાઈ રહી છે. ભારતના G20 પ્રમુખપદ હેઠળ જ આફ્રિકન યુનિયન સત્તાવાર રીતે વિશ્વની જી-20નું કાયમી સભ્ય બન્યું હતું. ભારતમાં સપ્ટેમ્બર 2023માં આ સમીટ યોજાઈ હતી.

LEAVE A REPLY