બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં ભાજપ અને જનતાદળ (યુ)ના એનડીએ ગઠબંધનના ફરી ભવ્ય વિજયની આગાહી કરાઈ હતી, જ્યારે લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસના મહાગઠબંધનના પરાજ્યની આગાહી કરાઈ હતી. રાજ્યમાં બે તબક્કામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનું વાસ્તવિક પરિણામ 14 નવેમ્બરે જાહેર કરાશે. રાજ્ય વિધાનસભામાં કુલ 243 બેઠકો છે અને બહુમતી માટે 122 બેઠકો જરૂરી છે.
મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએને સરેરાશ 130થી 159 બેઠકો, જ્યારે મહાગઠબંધનને 73થી 108 બેઠકો મળવાની આગાહી કરાઈ હતી.
ચાણક્ય સ્ટ્રેટેજીના એક્ઝિલ પોલમાં એનડીએને 130થી 138 બેઠકો, જ્યારે મહાગઠબંધનને 100થી 109 બેઠકોનો અંદાજ વ્યક્ત કરાયો હતો. દૈનિક ભાસ્કરના પોલમાં સત્તારૂઢ એનડીએને 145થી 160 બેઠકો તથા વિપક્ષી મહાગઠબંધનને 73થી 91 બેઠકનો વર્તારો રજૂ કરાયો હતો. જેવીસીના પોલમાં એનડીએને 135થી 150 બેઠકો તથા મહાગઠબંધનને 88થી 103 બેઠકો આપવામાં આવી હતી.
બિહાર ચૂંટણી પહેલા, ચૂંટણી વ્યૂહરચનાકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીને નિરાશ મળી હોવાનો સંકેત મળી રહ્યાં છે.
ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાની 122 બેઠકો પર મંગળવાર, 11 નવેમ્બરે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં વિક્રમજનક 67.14 ટકા મતદાન થયું હતું. 6 નવેમ્બરે પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં પણ રેકોર્ડ 65 ટકા મતદાન થયું હતું.
બિહારમાં થોડા ટૂંકા વિક્ષેપો સિવાય છેલ્લાં 20 વર્ષથી મુખ્યપ્રધાન નીતિશકુમારની જેડીયુ અને ભાજપના બનેલા NDA ગઠબંધનની સરકાર છે. એનડીએ સરકાર અગાઉની RJD-કોંગ્રેસ સરકારના ‘જંગલ રાજ વિરુદ્ધ સુશાસન’ની છબી પર આધાર રાખી રહી છે. બીજી તરફ વિપક્ષી મહાગઠબંધન સત્તા વિરોધી લહેર અને તેના મુખ્યપ્રધાન ઉમેદવાર તેજસ્વી યાદવના દરેક ઘર માટે સરકારની નોકરી વચન પર આધાર રાખે છે.












